ગુજસીટોકમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના સાગરીતની જામીન અરજી ફગાવતી કોર્ટ

20 January 2021 10:22 PM
Crime Gujarat
  • ગુજસીટોકમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના સાગરીતની જામીન અરજી ફગાવતી કોર્ટ

આરોપી મહંમદ મલિક અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં 11થી વધુ ગુનામાં સંડોવાયેલો છે, ગેંગ સામે કુલ123 ગુના

અમદાવાદ, તા.20
અમદાવાદની સ્થાનિય કોર્ટે ગુજસીટોકમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના સાગરીતની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં 11થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાથી તેમની સામે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એકટ 2015 હેઠળ કાર્યવાહી થઈ હતી.

કેસની વિગત એવી છે કે આરોપી મહંમદ મલેક સામે સુરેન્દ્રનગર ગ્રામ્યમાં આવેલા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ધરપકડ કરાઈ હતી. જામીન અરજી પર સુનાવણી વખતે આરોપી અરજદાર મહંમદ મલેકના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સામે 11 પૈકીના 9 ગુના આઈપીસીને લગતા નથી. મોટાભાગના ગુનામાં આરોપી જામીન પર મુક્ત છે. આરોપી આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ નથી અને જામીનના તમામ નિયમોનું પાલન કરશે. જેથી તેમને જામીન આપવામાં જોઈએ. સામે પક્ષે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી ગેડિયા ગેંગનો સક્રિય સભ્ય છે અને અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને અન્ય સ્થળો પર સિન્ડિકેટમાં ગુનાને અંજામ આપ્યા છે. આરોપી હાઈવે પર ચાલુ વાહનોમાંથી કીમતી વસ્તુ ચોરી પોતાની ગાડીમાં મૂકી પલાયન થઈ જતાં હતા. આ ગેંગ દ્વારા પોલીસ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જેથી આ ગેંગથી પોલીસ પણ સુરક્ષિત નથી. આ ગેંગના સભ્યો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ123 ગુના દાખલ છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.

બન્ને પક્ષની દલીલો બાદ આરોપી મહંમદ મલેકની જામીન અરજી ફગાવતા કોર્ટે નોંધ્યું કે, આરોપી ગેડિયા ગેંગનો સભ્ય છે અને હાઈ-વે પર વાહનોમાંથી ચોરી કરવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગેંગના સભ્યો દ્વારા પોલીસ પર પણ હુમલા કરવામાં આવ્યા છે અને ઘણા સભ્યો હજુ પણ ફરાર છે. જેથી આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાથી આરોપીને જામીન આપી શકાય નહીં.


Related News

Loading...
Advertisement