રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી રહેવા સાથે સેન્સેકસ તથા નીફટી નવી રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચી ગયા હતા. સેન્સેકસમાં 450 તથા નીફટીમાં 150 પોઈન્ટનો ઉછાળો હતો. શેરબજાર બે ત્રણ દિવસનાં કરેકશન બાદ ફરી એક વખત તેજીના પાટા પર ચડી ગયુ હોય તેમ આજે સતત બીજા દિવસે તેજી હતી. કોરોના નબળો પડી ગયો છે. આર્થિક રિકવરી ઝડપી છે.
આવતીકાલે નવા અમેરીકી પ્રમુખ સતાનું સુકાન સંભાળનાર છે અને બધુ શાંતિપૂર્ણ રહેવાનું છે. ભારતમાં 10 દિવસ બાદ પેશ થનારા બજેટમાં શ્રેણીબદ્ધ મહત્વના પગલા લેવાશે તેવો આશાવાદ વ્યકત થતો હતો. વિદેશી નાણા સંસ્થાઓ જંગી ખરીદી કરતી રહી છે.આવા એકથી વધુ પોઝીટીવ કારણોએ માર્કેટનો ટ્રેંડ સુધારા તરફી કર્યો છે હવેનાં દસ દિવસ કોર્પોરેટ પરીણામો તથા બજેટનાં આશાવાદ સંબંધી વધઘટ સુચવે તેમ મનાય છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરો લાઈટમાં હતા. ટાટા મોટર્સ, અદાણી પોર્ટ, વિપ્રો, મારૂતી, ટેક મહિન્દ્રા ટાઈટન, એશીયન પેઈન્ટસ, ભારતી એરટેલ, એકસીસ બેંક, એચડીએફસી, ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી, રીલાયન્સ, ટીસીએસ, ટીસ્કો સહીતનાં હેવીવેઈટ શેરો ઉંચકાયા હતા. એચડીએફસી બેંક, નેસલે, પાવર-ગ્રીડ, શ્રી સીમેન્ટ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 444 પોઈન્ટના ઉછાળાથી 49842 હતો.ઈન્ટ્રા-ડે 49874 ની રેકોર્ડબ્રેક ઉંચાઈ બનાવી હતી. નીચામાં 49373 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 136 પોઈન્ટના ઉછાળાથી 14657 હતો જે ઉંચામાં 14666 તથા નીચામાં 14517 હતો.