દુબઈ, તા.20
ભારતનો ઋષભ પંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેન ટેસ્ટમાં અણનમ 89 રનની મેચવિનિંગ ઈનિંગ રમ્યા બાદ વિશ્ર્વમાં સૌથી વધુ રેન્કીંગ ધરાવતો વિકેટકિપર-બેટસમેન બની ગયો છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્ર્વ રેન્કિંગમાં પંત 13મા ક્રમે પહોંચ્યો છે જે તેની કારકીર્દિનું સર્વશ્રેષ્ઠ રેન્કીંગ છે. પોતાની આક્રમક બેટિંગને કારણે વિશેષ ઓળખ બનાવી રહેલા પંતના 691 પોઈન્ટ છે. વિકેટકિપર-બેટસમેનમાં તેના પછી દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડીકોકનો નંબર આવે છે તે 677 પોઈન્ટ સાથે 15મા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના બેટસમેન માર્નસ લાબુશેન બ્રિસ્બેનમાં પ્રથમ ઈનિંગમાં સદીના દમ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી આગળ નીકળીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. લાબુશેનના 878 પોઈન્ટ છે. કોહલી પેટરનીટી લીવને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતિમ ત્રણ મેચ રમી શક્યો નહોતો. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 919 પોઈન્ટ સાથે પ્રથમ અને સ્ટિવ સ્મિથ 891 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. યુવા બેટસમેન શુભમન ગીલ 68માંથી 47મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે ‘ધ વોલ’ ચેતેશ્ર્વર પુજારા એક સ્થાન ઉપર ચડીને સાતમા ક્રમે પહોંચ્યો છે.