રાજકોટ તા.20
રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચેલા ખાદ્યતેલોના ભાવોમાં જોરદાર કડાકાભડાકાનો દોર શરુ થઈ ગયો છે. આજે કપાસીયાતેલમાં ડબ્બે રૂા.30 તથા પામોલીનમાં રૂા.50નું ગાબડુ પડયું હતું. રાજકોટમાં સીંગતેલના ભાવમાં કોઈ ઘટાડો ન હતો. વિપરીતપણે એજે મજબૂત ટ્રેન્ડ હતો. પરંતુ અન્ય ખાદ્યતેલોમાં ગાબડા પડયા હતા. કપાસીયા તેલ વોશનો ભાવ 1005વાળો 985 થઈ ગયો હતો. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 30 રૂપિયાના ગાબડાથી 1750ની નીચે ઉતરી ગયો હતો. પામોલીન ડબ્બો 1625થી ઘટીને 1575 હતો. વનસ્પતિ ઘીમાં પણ ઘટાડો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે મબલખ ઉત્પાદન અને ભરસીઝન છતાં ખાદ્યતેલોમાં સળગેલા ભાવ શંકાસ્પદ જ હતા. વૈશ્વીક તેજી- વાયદાના ઉછાળાને આભારી હતા પરંતુ હવે તેનો ફુગ્ગો ફુટી ગયો છે. વિશ્ર્વબજાર મંદીમાં આવી ગયું છે. ઉપરાંત વાયદામાં પણ કડાકા ભડાકા થઈ ગયા છે.
છેલ્લા એક સપ્તાહમાં કપાસીયાતેલમાં ડબ્બે રૂા.100નો કડાકો સર્જાયો છે. પામોલીનમાં ડબ્બે 150 રૂપિયા નીકળી ગયા છે. તેલબજારના સૂત્રોએ કહ્યું કે પામોલીનમાં હજુ નોંધપાત્ર ભાવઘટાડાની શકયતા છે. જયારે કપાસીયા તેલમાં હવે 20-25 રૂપિયા ઘટયા બાદ ભાવ સ્થિર થઈ શકે છે.