(નરેશ ચોહલીયા) જસદણ તા.20
જસદણના વિરનગર ગામે રૂ.50 લાખના ખર્ચે રીવર ફ્રન્ટ સહિતની કામગીરી શરૂ કરાઈ, નદીના બન્ને કાંઠે પોટસન દીવાલ બનાવવામાં આવશે સાથે ગ્રામજનોને બેસવા માટે બાકડા પણ મુકવામાં આવશે અને વિરનગર ગામને સ્વચ્છ ગામ બનાવાશે.
જસદણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીની દશા છેલ્લા અનેક દાયકાઓથી દયનીય હાલતમાં જોવા મળી છે. છતાં જસદણના સ્થાનિક નેતાઓ અને જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં ભાદર નદીની સાફ-સફાઈ કે નદી ફરતે રીવર ફ્રન્ટની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેના કારણે જસદણમાંથી પસાર થતી ભાદર નદી દુષિત થઈ જવા પામી છે. ત્યારે જસદણ તાલુકાના વિરનગર ગામે શામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ આટકોટ ક્લસ્ટર હેઠળ વિવિધ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગરની મધ્યમાંથી પસાર થતી નદીમાં રીવર ફ્રન્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. જે નદીના બન્ને કાંઠે પોટસન દીવાલ બનાવવામાં આવશે અને નદીને સ્વચ્છ કરવામાં આવશે. આ રીવર ફ્રન્ટ પાસે ગ્રામજનોને બેસવા માટે બાકડા પણ મુકવામાં આવશે અને વિરનગર ગામ સ્વચ્છ ગામ બને તેમજ સુંદર ગામ બને તે માટે વિરનગર ગામના સરપંચ પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા સહિતના ગ્રામજનો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.