ઈંગ્લેન્ડ શ્રેણી માટે 3 ખેલાડીનું ઉમદા પ્રદર્શન છતાં બાદબાકી, ચારને મળ્યું ઈનામ

20 January 2021 12:24 PM
Sports
  • ઈંગ્લેન્ડ શ્રેણી માટે 3 ખેલાડીનું ઉમદા પ્રદર્શન છતાં બાદબાકી, ચારને મળ્યું ઈનામ

નટરાજન-સૈની-વિહારીને જગ્યા ન અપાઈ, સિરાજ-શાર્દૂલ-સુંદર-ગીલની પસંદગી: ભુવનેશ્વર કુમારનું પત્તું કપાયું: અક્ષર પટેલનું પણ ડેબ્યુ થવાની સંભાવના

મુંબઈ, તા.20
ભારતને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત અપાવનારી ભારતીય ટીમના અનેક ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી શ્રેણીમાં રમતાં દેખાશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે જે ટીમ પસંદ કરી છે તેમાંથી તેણે ત્રણ ખેલાડીને બહાર કરી નાખ્યા છે. આ ખેલાડીઓમાં ટી.નટરાજન, નવદીપ સૈની અને હનુમા વિહારી સામેલ છે. બીજી બાજુ અનુભવી બોલર ભુવનેશ્વર  કુમારનું પત્તું પણ કપાઈ ગયું હોય તેવી રીતે ટીમ ઈન્ડિયામાં તેને સ્થાન મળ્યું નથી. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે.


ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીના પ્રથમ બે મેચ માટે ટીમનું એલાન કરી દીધું છે. વિરાટ કોહલી ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે તો ટીમમાં હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, કે.એલ.રાહુલની વાપસી થઈ છે તો અક્ષર પટેલની પણ ટીમમાં પસંદગી થઈ છે અને સંભવત: તેનું ટેસ્ટ ડેબ્યુ થઈ શકે છે. અક્ષરને ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યા મળી છે.મોટા ખેલાડીઓની વાપસીની અસર એવી થઈ કે ટી.નટરાજન, નવદીપ સૈની અને હનુમા વિહારીએ ટીમમાંથી બહાર થવું પડ્યું છે. નટરાજન અને સૈની એ ભારતીય ટીમમાં સામેલ હતા જેમણે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જ્યારે હનુમા વિહારીએ ત્રીજો ટેસ્ટ ડ્રો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બીજી બાજુ ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ડેબ્યુ કરનારા ચાર ખેલાડીઓ મોહમ્મદ સિરાજ, શુભમન ગીલ, શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને શ્રેષ્ઠ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. આ ચારેયને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સામેલ કરાયા છે. પસંદગીકારોએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે 18 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
તારીખ                       સ્થળ
5થી 9 ફેબ્રુઆરી            ચેન્નાઈ
13થી 17 ફેબ્રુઆરી        ચેન્નાઈ
24થી 28 ફેબ્રુઆરી       અમદાવાદ
                             (ડે-નાઈટ)
4થી 8 માર્ચ              અમદાવાદ

ઓસ્ટ્રેલિયામાં જીતીને બહુ ઉજવણી ન કરો, અસલી પરીક્ષા હવે થશે: પીટરસન
ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચ્યા બાદ હવે 5 ફેબ્રુઆરીથી ઘરઆંગણે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટસમેન પીટરસને હિન્દીમાં ટવીટ કરીને લખ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં જીતીને બહુ ઉજવણી ન કરો કેમ કે તમારી અસલી પરીક્ષા હવે થવાની છે. અસલી ટીમ ઈંગ્લેન્ડ ભારત આવી રહી છે જેને તમારે તમારા ઘરમાં જ હરાવવાની છે એટલા માટે સાવધાન રહેજો. બે સપ્તાહમાં બહુ વધુ જશ્ન મનાવવાથી બચજો.

ઈંગ્લેન્ડને 2-0થી હરાવે એટલે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં
આગામી પાંચ ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે તે પહેલાંજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. ગાબામાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી લીધી છે તેથી જો હવે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં તે ઈંગ્લેન્ડને 2-0થી હરાવી દેશે એટલે તે ફાઈનલમાં પહોંચી જશે. જો ગાબા ટેસ્ટ ડ્રો રહ્યોહોત તો ભારતે ઈંગ્લેન્ડને 3-0થી અને જો ભારતનો પરાજય થયો હોત તો ભારતે ઈંગ્લેન્ડને 4-0થી હરાવવું પડે તેમ હતું.

ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન)
રોહિત શર્મા, શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર  પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રિદ્ધિમાન શાહા, હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, આર.અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ


Related News

Loading...
Advertisement