ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટધરો 4137 બોલ રમ્યા, એકલો ચેતેશ્વર 928 બોલ રમી રહ્યો ‘અડીખમ’

20 January 2021 12:15 PM
Sports
  • ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટધરો 4137 બોલ રમ્યા, એકલો ચેતેશ્વર 928 બોલ રમી રહ્યો ‘અડીખમ’

બન્ને ટીમોમાં સૌથી વધુ બોલનો સામનો કરવામાં ચેતેશ્વર પ્રથમ, લાબુશેન બીજા ક્રમે: ભારતના 20 ખેલાડીઓએ કરી બેટિંગ

રાજકોટ તા.20
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતીને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓએ તિરંગો લહેરાવી દીધો છે. ભારત વતી ઋષભ પંતે 4 મેચમાં સૌથી વધુ 274 રન બનાવ્યા હતા તો રન બનાવવાના મામલે ચેતેશ્વર  પુજારા આ મામલે બીજા સ્થાને રહ્યો હતો અને તેણે 271 રનનું યોગદાન આપ્યું હતું. જો કે તે બોલનો સામનો કરવાના મામલામાં બન્ને ટીમોમાં નંબર વન રહ્યો હતો. પુજારાએ ચારેય મેચમાં મળી કુલ 928 બોલનો સામનો કર્યો હતો.ભારત તરફથી શ્રેણીમાં 20 ખેલાડીઓએ બેટિંગ કરી હતી અને આ તમામે કુલ 4137 બોલનો સામનો કર્યો હતો. આ 20 પૈકીના એકલા ચેતેશ્ર્વર પુજારાએ જ 928 બોલ રમ્યા હતા. આ મામલે બીજા સ્થાને ઓસ્ટ્રેલિયન બેટસમેન માર્નસ લાબુશેન રહ્યો હતો અને તેણે 8 ઈનિંગમાં 850 બોલ રમ્યા હતા અને તેમાં તેણે 426 રન પણ કાઢ્યા હતા. સ્ટિવ સ્મિથે 612 ક્રિસ ગ્રીને 580, અજિંક્ય રહાણેએ 562  શુભમન ગીલે 427  મેથ્યુ વેડે 397  ઋષભ પંતે 392 ટીમ પેને 349 અને હનુમા વિહારી 312 બોલનો સામનો કર્યો હતો.


ચેતેશ્ર્વર પુજારાએ શ્રેણીમાં ત્રણ ફિફટી પણ બનાવી હતી અને એક વખત શૂન્ય રને આઉટ થયો હતો. તેણે શ્રેણીમાં કુલ 29 ચોગ્ગા લગાવ્યા હતા. 4 ટેસ્ટ મેચ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 29.20 રહ્યો હતો. પુજારાના કુલ 928 બોલને ઓવરમાં તબદીલ કરીએ તો તે 155 ઓવર થવા જાય છે. જ્યારે લાબુશેને 142 ઓવર રમી હતી. પુજારા ત્રીજા નંબરે બેટિંગ કરે છે. તેના પહેલાં આ ક્રમે મહાન ખેલાડી રાહુલ દ્રવિડ બેટિંગ કરતો હતો. પુજારાની તુલના પણ દ્રવિડ સાથે થાય છે એટલા માટે તેને ટીમ ઈન્ડિયાની ‘દિવાલ’ ગણવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું હતું. ભારતે 328 રનના લક્ષ્યાંકને સાત વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ભારત વતી શુભમન ગીલે 91, ઋષભ પંતે અણનમ 89 અને ચેતેશ્વર પુજારાએ 56 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ગાબા મેદાન પર પાછલા 32 વર્ષમાં આ પહેલી હાર છે જ્યારે ભારતે અહીં પોતાની પહેલી જીત નોંધાવી છે. ગાબામાં ભારતે અત્યાર સુધી સાત મેચ રમ્યા છે અને તેમાં પહેલી વખત તેને જીત મળી છે. આ પહેલાં પાંચ મેચમાં ભારતે પરાજય ખમવો પડ્યો હતો તો એક મેચ ડ્રો રહ્યો હતો.


Related News

Loading...
Advertisement