ઈન્દોર, તા.20
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલા સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના સૌરાષ્ટ્ર-રાજસ્થાન વચ્ચેના મેચમાં સૌરાષ્ટ્રનો 15 રને પરાજય થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. આ જીત સાથે જ રાજસ્થાન નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું છે તો હરિયાણાએ પણ ક્વોલિફાય કરી લીધું છે. આ મેચમાં રાજસ્થાને સૌરાષ્ટ્ર સામે 165 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જેની સામે સૌરાષ્ટ્ર 150 રન જ બનાવી શક્યું હતું.રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન અશોક મનેરિયાએ 52 બોલમાં 67, અંકિત લાંબાએ 40 અને મહિપાલ લોમરોરો અણનમ 24 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર વતી ચેતન સાકરિયાએ બે, કુશંગ પટેલે એક અને પ્રેરક માંકડે એક વિકેટ મેળવી હતી.166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 150 રન જ બનાવી શકી હતી. સૌરાષ્ટ્ર વતી પ્રેરક માંકડે 37 બોલમાં 61 રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. પ્રેરક ઉપરાંત અવિ બારોટે 25, વિશ્વરાજસિંહ જાડેજાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં રાજસ્થાન વતી અનિકેત ચૌધરીએ બે, રાહુલ ચહર-રવિ બિષ્નોઈએ એક-એક વિકેટ મેળવી હતી.