રાજકોટઃ:
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાએ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રીને રાજીનામા પત્ર આપ્યો છે. આમ, કરી ડો.બોઘરાએ એક વ્યક્તિ, એક પદના સિધ્ધાંતનું પાલન કર્યું છે. તેમણે રાજીનામાંની એક નકલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલી આપી છે.
તાજેતરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ સંગઠનના માળખાની બે તબક્કામાં જાહેરાત કરી. જેમાં બીજા તબક્કાની જાહેરાતમાં ઉપપ્રમુખ પદે જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી યોજનાના ચેરમેન
ડો.ભરત બોઘરાની નિમણૂક કરાઈ. નિમણૂક બાદ એક વ્યક્તિ, એક પદના સિદ્ધાંત મુજબ તેઓએ સરદાર પટેલ સહભાગી યોજનાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.
ડો.બોધરાએ ગઇકાલ તા. 18મીના રોજ મુખ્યમંત્રીને આપેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, "આપે મને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન તરીકે કામગીરી સોંપી હતી. ખેડૂતો તેમ જ લોકોની સેવા કરવાની તક આપી તે બદલ હું ધન્યતા અનુભવું છું. આપના નેતુત્વમાં ગુજરાતના દરેક ક્ષેત્રનો સર્વાગી વિકાસ થઇ રહ્યો છે. સતત વિકાસના ભાગરૂપે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવી સમગ્ર રાજયમાં સિંચાઇ ક્ષેત્રે જળસંચય રૂપી જળક્રાંતિ સમાન કામગીરી કરાવી છે. આપના માર્ગદર્શન તથા નેતુત્વમાં સિંચાઇ ક્ષેત્રે સૌની યોજના, ચેકડેમ તથા ચેકડેમ રિપેરીંગ જેવા વિવિધ કામો કરી ખેડૂતોને મદદરૂપ થવાની ખેડૂતહિતલક્ષી કામગીરી કરવાની મનને તક મળી તે બદલ હું આપનો કાયમી આભારી રહીશ. ગત સપ્તાહે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે. અધ્યક્ષ સી.આર. પાટીલના સિધ્ધાંત એક વ્યક્તિ, એક પદને હું સમજું છું તથા પક્ષના શિસ્તબધ્ધ કાર્યકર્તા તરીકે સ્વેચ્છાએ સ્વિકારવા માંગું છું. આ સિધ્ધાંતને અનુસરવા ગુજરાત સરકારના ચેરમેન પદેથી સહર્ષ રાજીનામું આપું છુ. પક્ષ દ્વારા સંગઠનમાં સોંપાયેલી જવાબદારી નિભાવી શકું તે માટે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન તરીકેનું મારું રાજીનામું સ્વીકારવા મારી વિનંતી છે."