લવ જેહાદ : રાજકોટના મહિલા કોન્સ્ટેબલને પરિણીત વિધર્મી પોલીસમેન ભગાડી ગયો

19 January 2021 06:08 PM
Rajkot Crime
  • લવ જેહાદ : રાજકોટના મહિલા કોન્સ્ટેબલને પરિણીત વિધર્મી પોલીસમેન ભગાડી ગયો

22મીએ સમગ્ર ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાગુ કરવા અને ભોગ બનનાર યુવતીને વિધર્મી પાસેથી છોડાવવાની માંગ સાથે આવેદનો અપાશે : 25મીએ રાજકોટમાં બ્રહ્મ સેના ઉગ્ર આંદોલન કરશે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, દુર્ગા સેના, બજરંગ સેના, કોળી સમાજ સહિતના હિન્દુ સંગઠનોનો ટેકો

રાજકોટ તા.19
રાજકોટમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ફરજ બજાવતી ભાવનગરની મહિલા કોન્સ્ટેબલને વિધર્મી પરિણીત પોલીસમેનએ ભગાડી જઇ લગ્ન કરી લેતા હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. સાતેક દિવસ પહેલાનાં આ કિસ્સામાં કોઇ એકશન ન લેવાતા હિન્દુ સંગઠનો દ્વારા આંદોલનની ચીમકી અપાઇ છે.

બ્રહ્મ સેનાના અગ્રણી ભાવેશભાઇ રાજયગુરૂએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે મૂળ ભાવનગર પંથકની બ્રહ્મ સમાજની દિકરીને વિધર્મી યુવક લલચાવી-ફોસલાવી ભગાડી ગયો છે. તેમણે યુવતીને પોતાના એજન્ડાથી ફસાવી લગ્ન કરી લીધા છે. મેરેજ સર્ટીફીકેટ રજુ કરાયું છે. જેમાં યુવક ડાયવોર્સી હોવાનો ઉલ્લેખ છે. પરંતુ છુટાછેડા કે ડાયવોર્સના કોઇ કાગળો રજૂ કરાયા નથી. ગુજરાતમાં વારંવાર આવા લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

જેને અટકાવવા સરકાર કડકમાં કડક લવ જેહાદ વિરોધી કાયદો લાવે તેવી હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સેના માંગ કરી રહ્યું છે. ભાવેશભાઇ રાજયગુરૂ અને રાજકોટ બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઇ શુકલએ જણાવ્યું કે આ કિસ્સામાં અમે સોશ્યલ મીડિયા પર હાલ અભિયાન ચલાવી રહ્યા છીએ. અમે દિકરીને પરત તેમના પરિવારને સોંપવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છીએ. આ મામલે અમે સરકારને તા.24મીની રાત્રી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી તા.22ના રોજ સમગ્ર ગુજરાતના તમામ શહેરો-તાલુકાઓમાંથી મામલતદાર, ડે.કલેકટર, કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. તેમ છતાં કોઇ કાર્યવાહી નહી થાય તો તા.25ના રોજ રાજકોટમાં બ્રહ્મ સેના અને દુર્ગા સેનાના માઘ્યમથી તથા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, બજરંગ સેના, કોળી સમાજ સહિતના હિન્દુ સમાજના સંગઠનો-જ્ઞાતિના સહયોગથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ લડતને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અઘ્યક્ષ રાજેન્દ્ર શેખાવત, કોળી સમાજના અગ્રણી હિરાભાઇ સોલંકી સહિત વિવિધ સમાજ સંગઠનના આગેવાનોએ ટેકો જાહેર કર્યો છે. ગુજરાતમાં પણ લવ જેહાદ સામે કડક કાયદો લાવવા માંગ ઉઠી છે.

પોલીસમેન ટ્રાફીક શાખામાં ફરજ બજાવે છે
મહિલા કોન્સ્ટેબલને ભગાડી જઇ લગ્ન કરનાર વિધર્મી પોલીસમેન રાજકોટની ટ્રાફીક શાખામાં ફરજ બજાવે છે. તે અહીં કોન્સ્ટેબલની પોસ્ટ પર છે અને તેના રંગીન મીજાજ માટે જાણીતો છે. પોલીસબેડામાં પણ આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. એક ચર્ચા મુજબ આ પોલીસમેનના લગ્ન થઇ ચુકયા છે અને પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા નથી તેમ છતાં બીજી યુવતી સાથે લવ મેરેજ કરી લીધા છે.


‘...પછી કહેતા નહીં કે, કરણી સેનાવાળા ગુંડાગર્દી કરે છે’
સરકારને શેખાવતની આકરી ચેતવણી
રાજકોટમાંથી સામે આવેલા લવ જેહાદના કિસ્સામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ ટેકો જાહેર કર્યો છે. આ અંગે કરણી સેનાના પ્રદેશ અઘ્યક્ષ રાજેન્દ્ર શેખાવતએ સોશ્યલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું કે બ્રહ્મ સમાજની દિકરી ઝડપથી તેના પરિવારને પરત મળી જવી જોઇએ નહીતર કરણી સેના વિધર્મી પાસેથી દિકરીને છોડાવી લાવશે અને પછી કહેતા નહી કે કરણીસેનાવાળા ગુંડાગીર્દી કરે છે.

રાજકોટમાં કરણી સેનાના આગેવાન ચંદુભા પરમારે જણાવ્યું કે રાજયમાં હિન્દુ સમાજની દિકરીઓને ફોસલાવી, પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાનો આ રીતે ભગાડી જતા હોવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે. દેશના કેટલાક રાજયોએ લવ જેહાદ માટે કડક કાયદા બનાવ્યા છે ત્યારે બ્રહ્મ સમાજની આ લડતમાં અને લવજેહાદનો કાયદો ગુજરાત સરકાર બનાવે તેવી માંગ સાથે અમે પણ આંદોલનમાં ટેકો આપીશું.


Related News

Loading...
Advertisement