સુરતમાં ફૂટપાથ પર સુતેલા 15ને ડમ્પરે કચડી માર્યા

19 January 2021 11:42 AM
Surat Gujarat Top News
  • સુરતમાં ફૂટપાથ પર સુતેલા 15ને ડમ્પરે કચડી માર્યા
  • સુરતમાં ફૂટપાથ પર સુતેલા 15ને ડમ્પરે કચડી માર્યા

કીમ-માંડવી રોડ પર મોડી રાત્રે રાજસ્થાનના શ્રમજીવી પરિવારો પર કાળ ત્રાટકયો : અરેરાટી : નિંદરમાં જ મોતની ગોદમાં પોઢી ગયા : છને ઇજા : રોડ પર લોહીના ખાબોચીયા : અધિકારીઓ દોડયા

રાજકોટ તા.19
સુરત નજીકના કીમ-માંડવી રોડ પર ગઇકાલે મોડી રાત્રે ફૂટપાથ પર સુતેલા રાજસ્થાનના શ્રમજીવી પરિવારના 15 સભ્યો પર કાળ જેવુ ડમ્પર ફરી વળતા તમામના મૃત્યુ નિપજયાનો અરેરાટી ભર્યો બનાવ બન્યો છે. જયારે છ વ્યકિતને ઇજા થતા ગંભીર ઇજા થતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ગઇકાલે સોમવારે મોડીરાત્રે કીમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ડમ્પર ફૂટપાથ પર સુઈ રહેલા 20 શ્રમજવીઓ પર ફરી વળ્યું હતું. જેમાંથી 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં વધુ ત્રણના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.


ડમ્પર નીચે કચડાઈને મોતને ભેટેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. મૂળ બાંસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં 20 જેટલા કચડાઈ ગયા હતા. જેથી લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. પોલીસે લોહીલુહાણ મૃતદેહોને ટેમ્પોમાં ભરીને હોસ્પિટલ ખસેડ્યા હતા.


આ ઘટના વિશે મોડી રાત્રે ઘટના સ્થળે એવુ જાણવા મળ્યું હતું કે કીમથી માંડવી તરફ જતાં રસ્તામાં પાલોદ ગામ આવ્યું છે. આ ગામની સીમમાં રસ્તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. સોમવારે મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ કીમથી માંડવી તરફ જઇ રહેલા જીજે એકસ 0901 નંબરના ડમ્પર ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેકટરને ટક્કર મારી હતી.


બનાવ અંગે પોલીસને જાણ કરતાં ડીવાયએસપી સી.એન.જાડેજા, બારડોલી ડીવાયએસપી રૂપલ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. તેમજ તાત્કાલીક ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.


ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. ભરનીંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. ડમ્પર ચાલકે ફૂટપાથ કુદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધુ હતું.


મૃતકના પરિવારજનોને કેન્દ્ર અને રાજય સરકારની 2-2 લાખની સહાય


મોદીએ ટવીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ: વિજયભાઈની પણ શોકાંજલી


સુરત નજીકના કરુણ અકસ્માતમાં મોતને ભેટેલા 15 શ્રમજીવીઓ ને કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટવીટ કરીને શોક વ્યકત કર્યો હતો. બાદમાં મૃતકના પરિવારને બે-બે લાખ તથા ઘાયલો માટે 50-50 હજારની સહાય કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી.


આ સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાન ગુમાવનારા નિર્દોષ શ્રમજીવીઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ પણ મૃતક શ્રમજીવીના પરિવારોને બે-બે લાખની સહાય જાહેર કરી છે.

રામ રાખે એને કોણ ચાખે...


માતા-પિતાની લાશ પાસેથી જ નશીબદાર પુત્રીનું રૂદન સંભળાયું

ગઇકાલે મોડી રાત્રે બનેલી ઘટનામાં છ મહિનાની બાળકી માતા-પિતા મીઠી નિદ્રા માણી રહી હતી, ત્યારે યમરાજ બનીને આવેલા ડમ્પરે પુટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીના માતા-પિતાને પણ કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું જ્યારે બાળકીનો. આબાદ બચાવ થયો હતો લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી તેમજ તાત્કાલિક બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.

પાંચ દુકાનો પણ ડમ્પરે તોડી નાંખી


પોલીસે લાશ ટેમ્પોમાં ભરી!


‘રાકેશ’ કેબીનના બદલે ફૂટપાથ પર સુતો અને મળ્યું મોત

નીંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચડી જતાં મોટા ભાગના મૃતકોની લાશ કચડાઈ ગઈ હતી. એકસાથે 12 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીંગળતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.


જ્યાં ઘટના બની તેનાથી થોડે દૂર આવેલી દુકાનમાં કામ કરતો રાકેશ રૂપચંદ કાતિલ ઠંડી હોવાથી દરરોજ દુકાન પાસેની કેબિનમા સુતો હતો. જોકે, સોમવારે થોડી ગરમી લાગતા કેબિનમાં સૂવાને બદલે અન્ય શ્રમિકો સાથે ફૂટપાથ પર સૂતો હતો ત્યારે તેને આ કાળમુખા ડમ્પરે કચડી નાખ્યો હતાં.

 

ડમ્પર ડ્રાઇવર નશામાં હતો : ટ્રેક્ટરને ઉડાવ્યા બાદ શ્રમજીવીઓને કચડી નાંખ્યા

કલીનરની પણ ધરપકડ : તમામ મૃતકો એક જ વસાહતના

સુરત પાસે 15-15 જિંદગી ભરખી જનાર ડમ્પરનો ચાલક પોલીસે પકડયો ત્યારે નશામાં હોવાનું બહાર આવ્યું છે. આ ડમ્પર પહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયુ હતું અને બાદમાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા મજુરો પર ફરી વળ્યું હતું.


માંડવી રોડ પર આવેલા પાલોદ ગામ નજીક ફુટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા 12 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જયારે અન્ય લોકોને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે વધુ ત્રણનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુઆંક 15 પર પહોંચ્યો હતો.


બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા ડમ્પર ચાલક અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે.


પ્રાથમિક તપાસમાં આ તમામ એક જ વસાહતના હોવાનું તથા રાજસ્થાનના બાંસવાડાના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થવા પાછળનું મુળ કારણ તેમજ ટ્રક ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કલીનરની પણ ધરપકડ કરાઇ છે.


Related News

Loading...
Advertisement