રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રૂમમાં ‘કેદ’ યુવતીએ દમ તોડ્યો

19 January 2021 11:37 AM
Rajkot
  • રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રૂમમાં ‘કેદ’ યુવતીએ દમ તોડ્યો

‘ખુશરંગ જિંદગી હૈ’ ગીત ગાયને પ્રાણ ત્યાગી દીધાં, મૃત્યુ બાદ સર્જાઈ રહેલું ઘેરું રહસ્ય:મારી બહેન છ મહિનાથી રૂમમાં બંધ હોવાની વાત ખોટી, સેવા ગ્રુપનાં જલ્પા પટેલે જ તેનો ભોગ લઈ લીધો-બહેનનો આક્ષેપ:છ મહિનાથી કેદ છે તેવો દાવો કરાય છે પણ અમે મકાન જ ચાર મહિના પહેલાં ભાડે રાખ્યું છે ! ‘હું તમને પૂરાવી દઈશ’ તેવી ધમકી આપીને જલ્પા પટેલે મનમાની કરી

રાજકોટ, તા.19
રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા એક મકાનમાં ‘ભેદી’ રીતે કેદ હાલતમાં મળી આવેલી અલ્પાબેન સેજપાલ નામની યુવતીએ આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ મૃતક અલ્પા પટેલ છેલ્લા છ મહિનાથી એક જ રૂમમાં બંધ હોવાનો દાવો કરવામાં આવતાં તેની બહેન પરિન્દાએ તેને ફગાવતાં કહ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે કેમ કે તેની બહેનની પરીક્ષા હોવાથી તે પાંચ દિવસથી એક જ રૂમમાં રહીને અભ્યાસ કરતી હતી. પરિન્દાએ સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ ઉપર પણ એવો આક્ષેપ કર્યો હતો કે તેમણે જ મારી બહેનનો ભોગ લઈ લીધો છે કેમ કે તેમણે કશું જોયા-જાણ્યા વગર આ મામલાને ચગાવ્યો હતો !


રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટ પાસે આવેલી અંબિક સોસાયટીમાં રહેતા અલ્પાબેન મહેન્દ્રભાઈ સેજપાલ આત્મીય કોલેજમાં એમકોમના છેલ્લા વર્ષનો અભ્યાસ કરતી હતી. જો કે તે છેલ્લા છ માસથી એક જ રૂમમાં કેદ હોવાની માહિતી મળતાં સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સહિતના તેમના ઘેર પહોંચ્યા હતા અને ત્યાં જઈને તપાસ કરતાં વિચિત્ર પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યંત અશક્ત હાલતમાં રહેલી અલ્પાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


મૃતક અલ્પાની બહેન પરિન્દા સેજપાલે જણાવ્યું હતું કે તેની બહેન સાથે કશું જ ખોટું કરવામાં આવ્યું નથી અને તે છ મહિનાથી એક રૂમમાં બંધ પણ નહોતી. મહત્ત્વની વાત એ છે કે અમે ઉપરોક્ત સરનામે રહેવા આવ્યાને ચાર મહિના જેટલો સમય જ થયો છે તો પછી મારી બહેન છ મહિનાથી રૂમમાં બંધ કેવી રીતે હોઈ શકે ? અલ્પાની પરીક્ષા આવી રહી હોય તે છેલ્લા પાંચેક દિવસથી રૂમમાં જ રહીને વાંચન કરતી હતી. આ દરમિયાન તેને ઉલટી થવાનું શરૂ થઈ ગયું હતું જેના કારણે તેનું બ્લડપ્રેશર પણ ઘટી ગયું હતું. અમે હજુ તેને હોસ્પિટલે લઈ જવાનું નક્કી જ કરી રહ્યા હતા કે જલ્પા પટેલ સહિતના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને અમારી સાથે ઝઘડો કરીને ‘તમને પૂરાવી દઈશ’ તેવી ધમકી આપવા લાગ્યા હતા.

અમારે અલ્પાને સિવિલ હોસ્પિટલની જગ્યાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવી હતી પરંતુ જલ્પાએ જિદ્દ કરીને તેને સિવિલમાં ખસેડી અને આજે મેં મારી બહેનને ગુમાવી દીધી છે. મારી બહેનનો ભોગ જલ્પા પટેલે જ લીધો છે અને જરૂર પડશે તો હું તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવીશ.દરમિયાન અલ્પાની સારવાર કરનાર તબીબોએ જણાવ્યું હતું કે આઠેક દિવસથી ખોરાક ન લેવાને કારણે અલ્પાનું શરીર નબળું પડી ગયું હતું. હવે આ મામલે સાચું કોણ તે પણ એક મહત્ત્વનો સવાલ છે. ઉલ્લેખનીય છે કે અલ્પાના પિતા મહેન્દ્રભાઈ નાનામવા પાસે આવેલી ગરમ કપડાંની રોનકબજારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેની બહેન પરિન્દા વિમાનું કામ કરે છે. આ પરિવાર મુળ જૂનાગઢનો છે અને રાજકોટમાં ભાડે મકાન રાખીને રહે છે.


Related News

Loading...
Advertisement