અમદાવાદ:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇવીએમથી નહીં, બેલેટ પેપરથી કરાવવાની માંગ કરાઈ છે. આ અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે કરેલી આરટીઆઈની અરજીમાં ખુલાસો થયો હતો કે, રાજ્યના ચૂંટણી પંચ પાસે વીવીપેટ નથી.
આરટીઆઈના જવાબ બાદ ઈમ્તિયાઝ ખાન પઠાણે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજુઆત કરી હતી કે, વીવીપેટ મશીનની ગેરહાજરીમાં રાજ્યમાં યોજવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા રાજ્યનું ચૂંટણી પંચ જાહેરાત કરે. જોકે રજુઆતની કોઈ પ્રતિક્રિયા ન આવતા અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે.આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે.
અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે, રાજ્યના ચૂંટણી પંચને નિર્દેશ કરવામાં આવે કે પંચ સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરે. આ સાથે પીઆઈએલમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 19મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર ઇવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.