અમદાવાદઃ
મેટ્રીમોનિયલ સાઈટો પર લગ્નવાંચ્છુક યુવતીઓએ ચેતી જવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર સેલની ટીમે મેટ્રોમોનિયલ સાઇટો પર આઇઆઈએમ પાસ ગૂગલ એચઆર મેનેજર, અને રૂ.40 લાખના પગારદાર તરીકે નોકરી કરતો હોવાની ખોટી વિગતો દર્શાવી 50 જેટલી યુવતીઓને ફસાવી શારીરિક સબંધો બાંધી દુષ્કર્મ આચરતા શખ્સને ઝડપી લીધો છે. આરોપી યુવતીઓના પૈસા પડાવી જલસા કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપી વિહાન શર્મા, પ્રતીક શર્મા અને આકાશ શર્મા જેવા નામ ધારણ કરી મેટ્રોમોનિયલ મોનિયલ વેબસાઈટ પર ખોટી પ્રોફાઈલ મૂકતો અને કોન્ટેકટ થયા બાદ શારીરિક સબંધો બનાવી પૈસા પડાવી છોડી દેતો. આરોપીનું સાચું નામ સંદીપ શભૂનાથ મિશ્રા છે અને હરિયાણા ગુરગાંવની આઇડીપીએલ ટાઉનશીપનો રહેવાસી છે તેની સોમનાથથી ધરપકડ કરવામાં આવી છે.
આરોપી અમદાવાદ ખાતે એમબીએનો ઉચ્ચ અભ્યાસ કર્યાનું પણ બતાવતો હતો. મેટ્રીમોનિયલ સાઈટો પર સારા ઘરની છોકરીઓના નંબર લઈ તેની પર કોન્ટેકટ કરતો અને અન્ય વ્યક્તિઓના ફોટો મોકલી પોતાની માતા, બહેન અને પિતા હોવાનું બતાવતો હતો. વિડીયો કોલથી અન્ય વ્યક્તિઓ પાસે છોકરીઓને હાય હલ્લો વાતચીત કરાવી વિશ્વાસ લેતો. પછી યુવતીઓને હોટલમાં મળવા માટે બોલાવી લગ્ન કરવાની પાકી ખાતરી આપી શારીરિક સબંધો બાંધી નગ્ન, અર્ધનગ્ન ફોટો પાડી લેતો. તેમજ યુવતીઓના એટીએમ કાર્ડથી હોટલના બિલ ચૂકવી સંપર્ક કાપી નાખતો હતો. અને આ રીતે જ ઓનલાઇન વસ્તુઓ અને પૈસા મેળવ્યા બાદ તે યુવતીને છોડી બીજીને ફસાવતો હતો.
અમદાવાદની યુવતીએ પોતાની આપવીતી સાયબર સેલ સમક્ષ જણાવતા, ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈ પોલીસે ગુનો નીંધી આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ અનેક યુવતીઓને ભોગ બનાવી આ રીતે છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે.