રાજકોટઃ
જગવિખ્યાત શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આજે સાંજે મળેલ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે પસંદગી કરાઇ છે. પીએમ નરેન્દ્રભાઇ મોદી છેલ્લા દસ વર્ષથી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે.
ત્રણેક માસ પહેલા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણૂક કરવા માટે આજે સાંજે સાડા છ વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, લાલકૃષ્ણ અડવાણી, હર્ષવર્ઘન નીવેટીયા, સેક્રેટરી પી.કે.લહેરી, જે.ડી.પરમાર પોતાના કાર્યલય સ્થળોએથી ઓનલાઇન જોડાયા હતા. આ બેઠકમાં પ્રથમ બે મિનિટનું મૌન પાડી સ્વ.કેશુભાઇના નિઘનનો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટ્રસ્ટના આઠમા ચેરમન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નામની સર્વાનુમતે પસંદગી કરી બહાલી આપવામાં આવી હતી. નરેન્દ્રભાઇ મોદીનો ચેરમેન તરીકે આગામી એક વર્ષનો કાર્યકાળ રહેશે, તેમ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ર૦૧૦થી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની દરેક બેઠકમાં પીએમ મોદી અચૂક ભાગ લઇ યાત્રાઘામ સોમનાથમાં નવા વિકાસ કામો કરાવવા અંગે સૂચનો સાથે માર્ગદર્શન આપી રહ્યા છે. પીએમ મોદીના ટ્રસ્ટી પદે નિયુક્તિ થયા બાદ યાત્રાધામ સોમનાથમાં યાત્રી સુવિધાના અનેક નોંધપાત્ર કામો થયા હોવાનું ટ્રસ્ટના જાણકારો જણાવી રહ્યા છે.