ગુજરાતમાં સ્માર્ટ સીટી માટે કેન્દ્ર સરકાર અબજો રૂપિયા ઠાલવી રહી છે. જો કે હજુ કેટલા સીટી સ્માર્ટ થયા તે પ્રશ્ર્ન છે. સ્માર્ટ સીટીના નામે શહેરોમાં કરોડો રૂપિયાના ધુમાડા થઈ રહ્યા છે. વાસ્તવમાં અલગ થલગ સ્માર્ટ સીટી બનાવવાને બદલે શહેરને જ સ્માર્ટ બનાવવાની પ્રવૃતિ થવી જોઈએ પરંતુ નવા પ્રોજેકટમાં મલાઈ વધુ મળે તે નિશ્ર્ચિત છે અને તેથી સ્માર્ટ સીટીના એવા પ્રોજેકટને મહત્વ અપાઈ રહ્યું છે જે બિલ્ડરોને ફાયદો કરાવતા હોય, વડોદરામાં સ્માર્ટ સીટીની જે કંપની છે તેમાં 120 કરોડનું જબરુ કૌભાંડ થયુ હોવાનું બહાર આવ્યું છે અને છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ જતા તપાસના આદેશ છૂટયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અનેક સીનીયર અધિકારીઓની પણ આ જબરા કૌભાંડમાં સંડોવણી છે અને એક સર્વોચ્ચ અધિકારીની પુછપરછ પણ થઈ શકે છે જેની ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે.