અમદાવાદમાં દીપડાની દહેશત પણ નીકળ્યું ઝરખ

18 January 2021 04:55 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં દીપડાની દહેશત પણ નીકળ્યું ઝરખ

વસ્ત્રાલના મંદિર પાસે દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે વન વિભાગે તપાસ કરતા ઝરખના પંજાના નિશાન મળ્યા : 4 પાંજરા મુકી પકડવા પ્રયાસ

રાજકોટ તા.18
અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો દેખાયાની ચર્ચાથી દહેશત મચી ગઇ હતી જો કે વન વિભાગની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતા ઝરખના પંજાના નિશાન જોવા મળ્યા હતા તેના પરથી અંદાજ લગાવ્યો છે કે જે પ્રાણી જોવા મળ્યું તે દીપડો નહી પણ ઝરખ હતું. હાલ તેને પકડવા વનવિભાગે 4 પાંજરા મુકયા છે. વિસ્તૃત વિગત મુજબ શનિવારે વસ્ત્રાલ ગામના મંદિર પાછળ દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. લોકોએ દૂરથી પાડેલા ફોટામાં દેખાતુ પ્રાણી દીપડો હોવાનું લોકોએ માની લીધુ હતું. સોશ્યલ મીડિયામાં લોકો તેનો ફોટો પણ શેર કરી રહ્યા હતા. રવિવારે લોકોને ચેતવવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યુ હતું. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરતા ઝરખના પંજાના નિશાન મળી આવ્યા હતા. ટીમના જણાવ્યા મુજબ રાતના અંધારામાં સામાન્ય લોકો માટે ઝરખ અને દીપડો વચ્ચેનો ભેદ ઓળખવો મુશ્કેલ છે. અમદાવાદ ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર સકીરા બેગમે જણાવ્યું કે દેખાયેલુ પ્રાણી દીપડો નહી પણ પટ્ટાવાળુ ઝરખ હોવાનું જાણવા મળ્યું છે. પંજાના નિશાન પરથી પણ તે સાબિત થાય છે. પરંતુ નિશાન સ્પષ્ટ ન હોવાથી ઝરખની અંદાજીત ઉમર કે તેનુ લીંગ જાણી શકાયુ નથી. હાલ 3 સભ્યોની એક એવી ચાર ટુકડીઓ વસ્ત્રાલના 10 કિ.મી. એરીયામાં તપાસ કરી ઝરખની ભાળ મેળવવા પ્રયાસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement