વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના છડીયાળી ગામે ગાયોને ઘાસ ખવડાવવા બાબતે એક શખ્સને મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના છડીયાળી ગામે પરિવાર સાથે રહેતાં ફરિયાદી મોતીભાઈ સોંડાભાઈ ચૌહાણ રબારી (ઉ.વ.50) ગામની નવી નિશાળ પાસે ઉતરાયણ પર્વને ધ્યાને પોતાની ગાયોને લઈ જઈ ઘાસચારો ખવડાવી રહ્યાં હતાં. તે દરમ્યાન ગામમાં જ રહેતાં શખ્સ સગરામભાઈ માત્રાભાઈ કલોતરા રબારી પણ ગાયોને ઘાસચારો ખવડાવી રહ્યાં હતાં અને તે દરમ્યાન ઘાસ ખવડાવવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. જેમાં સગરામભાઈએ ફરિયાદી મોતીભાઈને જેમતેમ ગાળો આપી પોતાની પાસે રહેલ લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ઘજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.