અમદાવાદ અને સુરતના મેટ્રો રેલ પ્રોજેકટને મોદીની લીલી ઝંડી

18 January 2021 02:24 PM
Gujarat
  • અમદાવાદ અને સુરતના મેટ્રો રેલ પ્રોજેકટને મોદીની લીલી ઝંડી

સતત બીજા દિવસે ગુજરાતને વિકાસના નવા પ્રોજેકટની ભેટ આપતા વડાપ્રધાન : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટનો બીજો તબક્કો શરૂ થશે : સુરતમાં પ્રોજેકટનું ભૂમિપૂજન : વિકાસમાં ગુજરાત દેશ માટે સતત મોડેલ બની રહ્યું છે

નવી દિલ્હી તા.18
સતત બીજા દિવસે ગુજરાતને વિકાસ યોજનાની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ તથા સુરતના મેટ્રો રેલ પ્રોજેકટનો શુભારંભ કર્યો છે. અમદાવાદમાં મેટ્રો રેલ યોજનાના બીજા તબક્કાનો અને સુરતમાં મેટ્રો રેલ પરિયોજનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે 2014 પહેલા 10 થી 12 વર્ષમાં 22પ કિલોમીટરની મેટ્રો રેલ યોજના શરૂ થઇ હતી અને છેલ્લા છ વર્ષમાં 450 કિલોમીટરની મેટ્રો રેલ નેટવર્ક ચાલુ પણ થઇ ગઇ છે. દેશના 27 શહેરોમાં 1000 કિલોમીટરથી વધુ મેટ્રો નેટવર્ક પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે મકરસંક્રાંતિના તહેવારો બાદ ગુજરાતમાં એક તરફ વેકસીનેશનનો પ્રારંભ થયો છે અને બીજી તરફ મહત્વની પરિયોજનાઓ પણ ખૂલી મુકાઇ રહી છે. હજુ ગઇકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના આઠ વિસ્તારો સાથે જોડતી ટ્રેનોને લીલીઝંડી આપી હતી અને આજે બે મહત્વના શહેરોની મેટ્રો રેલ યોજનાને આગળ ધપાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કેવડીયા સુધી હવે શતાબ્દી એકસપ્રેસ જેવી મહત્વની ટ્રેનો પણ જઇ શકશે. અમદાવાદમાં રૂા.17 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ શરૂ થઇ ગયું હતું અને હવે તેનો બીજો તબક્કો શરૂ કરવા માટે વડાપ્રધાને આજે લીલીઝંડી દેખાડી હતી. સુરત જે દેશના એક મેટ્રો સીટી તરીકે વિકસી રહ્યું છે અને વ્યાપારી કેન્દ્ર પણ બન્યું છે ત્યાં પણ મેટ્રો રેલ પ્રોજેકટથી માસ ટ્રાન્સપોર્ટને નવી સુવિધા મળશે. વડાપ્રધાનના વર્ચ્યુલ કાર્યક્રમ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપપુરી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રા અહમ માર્ગ પર આગળ વધી રહી છે. ગુજરાતને એઇમ્સની ભેટ મળી છે. પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાત નંબર વન બની ગયું છે. સુરતએ ગુજરાતનું અને દેશનું ઔદ્યોગિક સીટી બની રહ્યું છે જે દેશનું આઠમું સૌથી મોટુ શહેર છે અને વિશ્ર્વનું સૌથી મોટુ ઝડપથી વિકસીત ચોથા નંબરનું શહેર બની ગયું છે. વડાપ્રધાને કહ્યું કે વિશ્ર્વમાં જે 10 હિરા પર કારીગરી થાય છે તેમાંથી 9 સુરતમાં થાય છે. વડાપ્રધાને જણાવ્યું કે રેલવે પોતાની નવી વ્યવસ્થાના આધારે ચાલશે.


Related News

Loading...
Advertisement