ગોંડલમાં વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂા. 2.97 લાખની ચોરી

18 January 2021 12:39 PM
Gondal Crime
  • ગોંડલમાં વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂા. 2.97 લાખની ચોરી

યુવાન પરિવાર સાથે પિતાનાં અવસાનની વિધી માટે મોટા ભાઇને ત્યાં રોકાયેલા હતા : સોના-ચાંદીના દાગીના, રોકડ અને ટી.વી. તસ્કરો ઉઠાવી ગયા

રાજકોટ, તા. 18
ગોંડલના જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે અજંતા સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને ટીવી સહિત રૂા. 2.97 લાખની તસ્કરી કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલની અજંતા સોસાયટીમાં રહેતા કમલેશભાઇ પ્રેમજીભાઇ ટુકડીયા (ઉ.વ.44) નામના યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે પોતે કુરીયર સર્વિસમાં કામ કરે છે.

તા.10/1ના રોજ હું તથા મારા પત્ની અમારૂ મકાન બંધ કરી મારા પિતા પ્રેમજીભાઇની તબીયત ખરાબ હોય જેથી જેતપુર રોડ રર0 કેવી સામે ઉદ્યોગભારતી સોસાયટી બ્લોક નં.37માં રહેતા મારા મોટાભાઇ નિલેષભાઇના ઘરે ગયા હતા અને બપોરના સમયે મારા પિતાનું અવસાન થતા ત્યાં જ રોકાયા હતા બાદમાં તા. 14ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે હું તથા મારા પત્ની અમારા ઘરે કપડા લેવા ગયેલ અને પાછુ અમારૂ મકાન બંધ કરી મોટા ભાઇના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ તા. 15ના રોજ મારા પત્ની સાથે ઘરે આવતા ઘરની અંદર પ્રવેશ કરતા હોલના દરવાજાનું તાળુ તુટેલુ હતું અને ઘરનો સામાન વેરવિખેર હતો. તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રૂા. 60 હજાર મળી કુલ રૂા. 2.97 લાખની મતા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ મથકનાં પીઆઇ એસ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.


Related News

Loading...
Advertisement