રાજ્ય સરકારે જ બનાવેલા નિયમોનો ભાજપના કાર્યક્રમમાં કચ્ચરઘાણ

18 January 2021 11:57 AM
Gujarat
  • રાજ્ય સરકારે જ બનાવેલા નિયમોનો ભાજપના કાર્યક્રમમાં કચ્ચરઘાણ

લગ્નમાં માત્ર 100 લોકોને છૂટ! ઉતરાયણમાં ધાબા પર ફકત પરિવારજનોને જવાની છૂટ (બહારના લોકોને આવવાની મનાઇ!) રાત્રી કફર્યુથી રેસ્ટોરન્ટ ઉદ્યોગનો ધંધો ભલે પડી ભાંગે, ભાજપના સંમેલનોને કોઇ પ્રકારના નિયમો લાગુ ન પડે?:મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં વિશાળ સંમેલનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા: પ્રદેશ પ્રમુખ પાટીલને મળવા ‘ઉઘાડા મોઢે’ નેતાઓ-કાર્યકરો દોડયા: રોજ પ્રજાને લાખોનો દંડ કરતી પોલીસનું જ કાયદાને તોડવા માટે રક્ષણ!

કોરોના કાળમાં સરકારે મુકેલા એકએક પ્રતિબંધ કાયદા, નિયમો આમ જનતાએ અમલ કર્યા છે અને સહન પણ કર્યા છે. કરોડો રૂપિયાના દંડ વેપાર-ધંધા ઠપ્પ કર્યા હતા તેવા સમયમાં ભર્યા છે. આજે પણ રાજકોટ સહિતના ચાર મહાનગરના લોકો રાત્રી કફર્યુ હેઠળ જીવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ગઇકાલે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપ નેતાઓ અને કાર્યકરોએ જ પોતાની સરકારના નિયમોના કચ્ચરઘાણ કાઢયા હતા. ભીડ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની પોલીસની નજર સામે જ રીતસર હાંસી ઉડાવવામાં આવી હતી.

લોકડાઉન વખતથી આજ દિન સુધી સામાન્ય લોકો ઘર બહાર નીકળતી વખતે ક્યારે કાયદાની હડફેટે ચડી જશે અને દંડ ભરવો પડશે તેવા ભય હેઠળ જીવન પસાર કરે છે. ચા પીવાથી માંડી કારમાં જતી વખતે ક્યારે પોલીસ પકડીને ચાંદલો કરશે તે નકકી હોતું નથી. લગ્ન સમારોહમાં માત્ર 100 લોકોની જ મેદની ફીક્સ છે તે ચાર દિવસ પહેલા ઉજવાયેલ સંક્રાંતિના પર્વે પણ માંડ તહેવાર ઉજવવા અગાસીએ ચડેલા લોકો પર ‘ડ્રોન કેમેરા’ પોલીસે મુકયા હતા. સીસી ટીવી વાહન ચાલકોને આડેધડ પણ દંડ વસુલે છે. હોટેલ અને સિનેમા પણ 50 ટકા ક્ષમતાથી ચલાવી, ચાની લારી સાથે રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવા પડે છે. કોરોના રોકવા આ બધુ જરૂરી હશે. પણ શાસક ભાજપનું સંમેલન કે કાર્યક્રમ હોય ત્યારે સરકારના જ નિયમો હાંસીને પાત્ર બને છે.

રવિવારે સેફરોન પાર્ટી પ્લોટના સંમેલનમાં સી.આર. પાટીલજીને ‘મોઢુ’ દેખાડવા ઘણા નેતાઓ, કાર્યકરો અને કોર્પો.ના ટીકીટ વાંચ્છુઓ ઉઘાડા મોઢે જમા થયા હતા. લગ્નમાં 200 લોકોની મંજુરી છે ત્યારે આ સંમેલનમાં એકાદ હજાર કાર્યકરો ઉમટી પડયા હતા. પ્રદેશ પ્રમુખ અને કાફલા આગળ પોલીસનું પાઇલોટીંગ પણ હતું, તો કાર્યક્રમ સ્થળે ઉચ્ચ અધિકારીઓને બંદોબસ્ત પણ હતો, પરંતુ આ વ્યવસ્થા જાણે નિયમોના ભંગ થવા દેવા માટે હોય તેવો તાલ સર્જાયો હતો. ચા પીતા બે-ચાર મિત્રોના કારણે કોરોના ફેલાવા પણ આવા ટોળાથી સંક્રમણ ન થાય તેવું શું નેતાઓ માનતા હશે? અહીં દંડ કરવાનું તો ઠીક, સુચના આપનાર પણ કોઇ ન હતું. પ્રદેશ પ્રમુખ પહેલી વખત રાજકોટ આવ્યા ત્યારે પણ આવા રોડ શો-સંમેલન થયા હતા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના જ છે ત્યારે તેમની સરકારે બનાવેલા નિયમોનો જ સરેઆમ ભંગ થતો હોય છે, રોજ સામાન્ય લોકોને લાખોના દંડ કરતી પોલીસને ‘શરમ’ નહીં આવતી હોય તેવો સવાલ આમ આદમી કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement