જામનગર :
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મેઘજીભાઈ કણજારીયાનું આજે અવસાન થયું છે. મેઘજીભાઈ સપ્તાહ પૂર્વે જ કોરોના સંક્રમિત થયા હતા. તેઓની સારવાર જામનગરની કોવિડ હોસ્પિટલમાં ચાલી રહી હતી એ દરમિયાન જ તેમને દમ તોડી દેતા શોકની લાગણી છવાઈ છે.
અઠવાડિયા પહેલા મેઘજીભાઈ કણજારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયા હતા. આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. મેઘજીભાઈએ પોતાની રાજકીય કારકિર્દીમાં જામખંભાળીયા તાલુકા પંચાયતના પ્રમુખ, જામખંભાળીયા તાલુકા પંચાયતના પ્રમુખ, મોરબી જિલ્લાના ભાજપ પ્રભારી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ અને ક્રિભકોના ચેરમેન પદે સેવા આપી હતી. આ સિવાય સંગઠનમાં જુદા - જુદા હોદ્દા પર જવાબદારી સંભાળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં સતવારા સમાજના અગ્રણી તરીકે સમાજહિતના અનેક કાર્યો કર્યા હતા. તેમના નિધનથી, રાજકીય આગેવાનો, કાર્યકરો અને સતવારા સમાજમાં શોકની લાગણી છવાઈ છે.