રાજકોટઃ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે કોરોનાને પરાસ્ત કરવા મહારસીકરણ અભિયાનની શરૂઆત થઈ. ગુજરાતમાં પ્રથમ દિવસે 13,274 સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવામાં આવી. ત્યારે આજે મળતી વિગત મુજબ છોટાઉદેપુરમાં રસી લીધા બાદ બે આશાવર્કરોની તબીયત લથડી છે.
છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી સેન્ટર ખાતે વૅક્સીન લીધા બાદ એક આશાવર્કરને રિએક્શન આવતા ગભરામણ થઈને ચક્કર આવ્યા હતા. તેમને બોટલ ચડાવવામાં આવી હતી. જે બાદ તેઓ સ્વસ્થ થઈ જતાં સાંજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજા એક બનાવમાં બોડેલી તાલુકાના સુર્યાઘોડા વેક્સીનેશન સેન્ટરમાં પણ એક આશા વર્કર બહેને પેટમાં દુ:ખાવો અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. બન્નેને સારવાર અપાઈ હતી. ગુજરાતમા વેક્સિન રીએક્સશનથી કોઈ મોટી તકલીફ થયાનું સામે આવ્યું નથી. જે બે આશાવર્કરોની તબિયત લથડી હતી તેઓ હાલ સ્વસ્થ છે. તેવી માહિતી પણ મળી રહી છે.
(તસ્વીર પ્રતીકાત્મક છે.)