નવી દિલ્હીઃ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે રવિવારે મોટી કાર્યવાહી કરી, મની લોન્ડ્રિંગના આરોપમાં બે ચીનના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનિઝ નાગરિકોના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી છે. બંને દિલ્હીમાં રહેતા હતા અને ચીની કંપનીઓ માટે મોટું હવાલા રેકેટ ચલાવતા હોવાનો આરોપ છે. આ હવાલા કૌભાંડમાં ભારત સરકારને કરોડોની આવકનું નુકસાન થયું છે. ગત વર્ષે આવકવેરા વિભાગે ચાર્લી પેંગના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ પછી, દિલ્હી પોલીસની વિશેષ ટીમે તાજેતરમાં જ પેંગ સામે એફઆઈઆર દાખલ કરી છે.
ઈડીએ ઓગસ્ટમાં ચાર્લી સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આટલા લાંબા સમયથી ઈડી ચાર્લી પેંગની બધી સંદિગ્ધ લેવડ-દેવડની તપાસ કરી રહ્યો હતું. તપાસમાં સામે આવ્યું છે કે, પેંગ ભારતમાં હવાલા કૌભાંડ સાથે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાની જાસૂસી પણ કરતો હતો.
ચાર્લી ભારતમાં બનાવટી હવાલા નેટવર્ક ચલાવતો હતો. ચાર્લીએ દિલ્હી એનસીઆરના સાયબર સિટી ગુરુગ્રામમાં સેક્ટર 59 ગોલ્ફ કોર્સ રોડ પર સ્થિત ફર્મ સ્પ્રિંગ પ્લાઝાના સરનામે ઇન્વિન લોજિસ્ટિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની નોંધણી કરાવી હતી. જો કે, પ્લાઝાના મેનેજરના જણાવ્યા મુજબ અહીં કોઈ ચીની કંપની નહોતી. તે બનાવટી સરનામાં દ્વારા નકલી કંપનીઓ ચલાવીને પૈસાની ગેરકાયદે દેવડ-દેવડ કરતો હતો.
આવકવેરા વિભાગે 12 ઓગસ્ટે પેંગ વિરુદ્ધ દરોડો પાડ્યો હતો. તેમની સાથે કેટલાક કથિત સાથીઓ, ભારતીય અને બેંકના કર્મચારીઓ પણ સામેલ છે. ગુરુગ્રામમાં પેંગના પરિસર સહિત ઓછામાં ઓછા બે ડઝન સ્થળો પર ઇન્કમટેક્સ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પેંગ સામે ગુનાહિત મની લોન્ડરિંગનો કેસ નોંધાવતા પહેલા ઇડીએ પેંગ સામે આવકવેરા વિભાગના પુરાવા અને કાર્યવાહી અને દિલ્હી પોલીસના વિશેષ એકમની એફઆઈઆરની નોંધ લીધી હતી.