રાત્રી કર્ફ્યુનો સમય 11 વાગ્યા પછીનો રાખો : આહાર મેનેજમેન્ટ એસો.ની માંગ

17 January 2021 12:32 PM
Ahmedabad India
  • રાત્રી કર્ફ્યુનો સમય 11 વાગ્યા પછીનો રાખો : આહાર મેનેજમેન્ટ એસો.ની માંગ

લગ્નપ્રસંગમાં મહેમાનોની હાજરી 100થી વધારીને 300 કરવી જોઇએ : એસોશિએશન મુખ્યમંત્રીને રજૂઆત કરશે

અમદાવાદઃ
કોરોના કાળમાં તમામ ક્ષેત્રો પ્રભાવિત થયા છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં કોરોના મહામારીના કારણે અમદાવાદમાં 700થી વધારે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના બજારો પર માઠી અસર થઈ છે. મંદીના કારણે હોટલમાં કામ કરતા કારીગરો પણ વતનો પરત ફરી ગયા છે. તેવામાં શહેરમાં રાત્રી કફર્યુના કારણે રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની છે. લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તેથી કફર્યુનો સમય વધારવાની માંગ આહાર મેનેજમેન્ટ એસોશિએશન દ્વારા કરવામાં આવી છે. એસો.ના સભ્યો આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

આહાર મેનેજમેન્ટ એસોશિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે માધ્યમોને વિગતો આપતા કહ્યું હતું કે, હાલ 10 વાગ્યા બાદ શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કારણે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. એકતરફ કોરોના કાળમાં ગત માર્ચ મહિના બાદ શહેરમાં 40 ટકા એટલે કે 700થી વધારે રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના એકમો બંધ થઇ ગયા છે. કેટરીંગના વ્યવસાય સાથે મોટા ભાગે રાજસ્થાની કારીગરો જોડાયેલા છે. લોકડાઉન બાદ આ હજુ સુધી આ વ્યવસાયમાં તેજી ન આવતા આ લોકો પોતાના વતન જતાં રહ્યા છે. લગ્ન અને અન્ય પ્રસંગોમાં માત્ર 100 મહેમાનોની જ છૂટ છે. જેથી મોટા પ્રમાણમાં કામ ન હોવાથી આવા કારીગરો વતનથી પરત ફર્યા નથી. આવતીકાલે 18મી જાન્યુઆરીએ એક મુર્હૂત છે. જે બાદ છેક એપ્રિલમાં મુર્હૂત છે. તેથી મહેમાનોની હાજરી 100થી વધારીને 300 કરવી જોઇએ. ઉપરાંત રાત્રી કર્ફ્યુનો સમય 11 વાગ્યા પછીનો રાખવામાં આવે નહિ તો આ ઉદ્યોગ પડી ભાંગશે અને હજારો લોકો બેકાર થઇ જશે. આ અંગે મુખ્યમંત્રીને એસો. દ્વારા આવેદન પાઠવવામાં આવશે.
(તસ્વીર પ્રતીકાત્મક છે.)


Related News

Loading...
Advertisement