નવી દિલ્હીઃ
વિશ્વની સૌથી મોટા કોવિડ રસીકરણ અભિયાન શરૂ થયાના એક દિવસ પછી દેશમાં કોરોના સંક્રમણના 15,144 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસને કારણે 181 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે રવિવારે માહિતી આપી હતી કે, દેશમાં કોરોના વાયરસના નવા કેસો અને સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 15,144 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમણના કુલ કેસો 1,05,57,985 પર પહોંચી ગયા છે. અને 181 દર્દીઓ મૃત્યુ પામ્યા, જે બાદ મૃત્યુઆંક વધીને 1,52,274 થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં, 17,170 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે, દેશમાં 1,01,96,885 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. દરરોજ નોંધાયેલા નવા કોરોના કેસો કરતા સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આનાથી કોરોના સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 2,08,826 પર આવી ગયા છે.
સક્રિય કેસોમાં ભારત 13મા નંબરે
વિશ્વભરમાં કોરોના વાયરસના 9.94 કરોડથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે અને 20.31 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકા કોરોનાથી પ્રભાવિત મોટાભાગના દેશોમાં ટોચ પર છે. ત્યારબાદ બીજા ક્રમે ભારત આવે છે. કોવિડના સક્રિય કેસમાં ભારત વિશ્વમાં 13મા ક્રમે છે. જ્યારે કોરોનાથી થયેલા મોતનાં મામલામાં ભારત અમેરિકા અને બ્રાઝિલ પછી ત્રીજા સ્થાને છે.