રાજકોટ તા.16
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.નો 10 મો પદવીદાન સમારોહ આગામી તા.18 ને સોમવારે બપોરના 12 વાગ્યે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવેલ છે. ઈસરોના પૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંજન તેમજ રાજયના શિક્ષણમંત્રી ડો.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ની વિવિધ ફેકલ્ટીનાં 1.06 લાખ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહ અંગેની તમામ તૈયારીઓ યુનિ.નાં કુલપતી ડો.નવીનભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે કુલપતિ ડો.નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીમાં 160 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે. ડો.નવીનભાઈ શેઠે વિશેષમાં જણાવેલ હતું કે યુનિ.નાં નવમાં પદવીદાન સમારોહમાં 85 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જયારે આ વખતે એટલે કે દસમાં પદવીદાન સમારોહમાં 1.06 લાખ વિદ્યાર્થીઓને પદવી અપાશે. સમારોહમાં ઉચ્ચ ગુણાંક હાંસલ કરનારા વિદ્યાર્થીઓની સાથે સ્ટાર્ટઅપમાં સારો દેખાવ કરનારાઓને પણ ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવશે.