રાજકોટ, તા. 16
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ ઠંડીમાં સામાન્ય રાહત રહેવા પામી હતી. જોકે રોજની જેમ આજે પણ કચ્છનું નલિયા ઠંડુ જ રહેવા પામ્યું હતું. સવારે રાજયનાં અન્ય સેન્ટરોમાં સવારે ઠંડી સામાન્ય રહી હતી. આજે રાજયમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 6.5 ડીગ્રી રહેવા પામી હતી. નલિયામાં સવારે ભેજ 84 ટકા રહ્યો હતો.નલિયા ઉપરાંત કેશોદ પણ આજે સવારે 10.2 ડિગ્રી સાથે ઠંડુ રહેવા પામ્યુ હતું. કેશોદમાં સવારે ભેજ 81 ટકા નોંધાયો હતો. તેમજ ભૂજમાં 12.7 અને ડીસામાં 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. દરમ્યાન આજે સવારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા, સુરેન્દ્રનગર, અમરેલી, કંડલા, ગાંધીનગર સહિતના સ્થળોએ માત્ર ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.રાજકોટમાં આજે સવારે 13.3 ડીગ્રી, ન્યુનતમ તાપમાન અને હવામાં ભેજ 80 ટકા રહ્યો હતો તેમજ પવનની ઝડપ સરેરાશ 2 કિ.મી. રહી હતી. તેમજ આજે સવારે અમદાવાદમાં 15.2, વડોદરામાં 16, સુરતમાં 16.2, ભાવનગરમાં 16.3, પોરબંદર 12.4, વેરાવળમાં 16.7, દ્વારકામાં 16.4, ઓખામાં 17.6, સુરેન્દ્રનગરમાં 15, કંડલામાં 13.5, અમરેલીમાં 13.6, ગાંધીનગરમાં 12.2, મહુવામાં 14.1, દિવમાં 13.6, વલસાડમાં 11.5 અને વલ્લભવિદ્યાનગરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.