નવી આશાનો સૂર્યોદય : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રસીકરણ શરૂ

16 January 2021 12:03 PM
Rajkot Saurashtra
  • નવી આશાનો સૂર્યોદય : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રસીકરણ શરૂ

મહામારી સામેના મહાજંગમાં ઉતરતા હેલ્થ વર્કર્સ : કોવેકસીનના ડોઝ આપવાનો પ્રારંભ:રાજકોટ સિવિલ સહિત છ સ્થળે 600 વર્કરને અપાતી રસી : મંત્રી આર.સી.ફળદુની હાજરી : જૂનાગઢ, અમરેલી, કચ્છ, વેરાવળ, દ્વારકા, ભાવનગર, જસદણ સહિતના કેન્દ્રો પર ઉમંગ-જુસ્સાનો માહોલ

રાજકોટ તા.16
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આજથી હેલ્થ વર્કર્સને કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેરના છ, જિલ્લાના ત્રણ મળી કુલ નવ કેન્દ્ર પર આજે કોવિશિલ્ડ રસી અપાઇ છે. વડાપ્રધાને દેશભરમાં અભિયાન શરૂ કરાવતા જ દેશને કોરોના મુકત બનાવવાનો જંગ શરૂ થયો છે. પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓની હાજરીમાં આ રસીકરણ શરૂ થયું છે. જેમાં રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલ ખાતે મંત્રી આર.સી.ફળદુએ આ પ્રસંગે હાજરી આપી હતી. સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, કચ્છ, દ્વારકા, મોરબી સહિતના જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે આ કાર્યક્રમો શરૂ થયા છે.


જૂનાગઢ જિલ્લો
જૂનાગઢ જિલ્લાને 10500 કોરોના વેકસીનનો ડોઝ ફાળવાતા આજથી જિલ્લાના 4 સ્થળો સિવિલ હોસ્પિટલ જૂનાગઢ, ચોરવાડ, કેશોદ, માંગરોળ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા મંત્રી ચાવડાના હસ્તે પ્રારંભ થયો છે. આજે ચોરવાડ, માંગરોળ, કેશોદ, જુનાગઢ ખાતે પ્રથમવાર કોરોનાના વેકસીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં 600 જેટલા કર્મીઓનો સમાવેશ થાય છે. જુનાગઢ શહેરી વિસ્તારમાં નવી સીવીલ હોસ્પિટલ ખાતે તેમજ ગણેશનગર હેલ્થ સેન્ટર ખાતે 100, 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ રસીકરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 300ને રસી આપવામાં આવી રહી છે, જુનાગઢ જીલ્લામાં ચાર સાઇટ રસીકરણ માટે પ્રથમ નકકી કરવામાં આવી છે જેમાં ચોરવાડ ટ્રમ એચ.સી., કેશોદ સી.ડી.એચ. માંગરોળ, યુ.પી.એચ.સી. અને વડાલ પી.એચ.સી. સેન્ટર ખાતે કુલ 400 આરોગ્ય કર્મચારીઓને રસીકરણ કરવામાં આવનાર છે.જુનાગઢ સીવીલ ખાતે મંત્રી જવાહર ચાવડાના હસ્તે પ્રારંભ કરાયો છે, કેશોદમાં ધારાસભ્ય દેવાભાઇ માલમના હસ્તે અને ચોરવાડ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે સી.એચ.સી. સેન્ટરે પ્રારંભ કરાયો છે.


ભાવનગર
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લા માટે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 18 હજાર ડોઝ પુરા પાડવામા આવેલ છે. જે અન્વયે આજથી સમગ્ર જિલ્લામાં વિવિધ 6 આરોગ્ય કેન્દ્રો ખાતેથી કોવિડ રસિકરણનો પ્રારંભ થયો છે. વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવાજી સર્કલ, આનંદનગર તથા આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર તેમજ ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં બોરડા, તલગાજરડા તથા સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 6 આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોવિડ રસિકરણનો પ્રારંભ થનાર છે. આ માટે પ્રથમ દિવસે દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 100 એમ કુલ 600 સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મચારીઓને કોવિડ વેક્સિન કોવિશિલ્ડથી રક્ષિત કરવામાં આવનાર છે.તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિનેટર, ઞ.ક.ઈ, લાભાર્થીઓની યાદી સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.


જસદણ
જસદણમાં આજે સવારે રસીકરણ શરૂ થયું છે. આ પ્રસંગે જસદણ ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીની સીધી દેખરેખ હેઠળ જિલ્લાના ત્રણ ગામોના ડોકટરો હેલ્થ વર્કરોને રસીકરણ થવાથી જસદણના આરોગ્ય કર્મચારીઓમાં ઉત્સાહનો ભારે સંચાર થયો છે.


કચ્છ
કચ્છમાં પાંચ સ્થળે કોરોના વેકસીનેશનનો પ્રારંભ થયો છે. ભૂજ, ગાંધીધામ, માંડવીની સરકારી હોસ્પિટલ તથા નલીયા અને ભચાઉના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કસને રસી આપવાની શરૂઆત થઇ છે. જિલ્લામાં પ્રથમ તબક્કા માટે 14 હજાર આરોગ્ય કર્મીઓનું લીસ્ટ તૈયાર કરાયું છે.


અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લાને કોરોના વેકસીનનો પ્રથમ તબક્કાનો 11500 ડોઝ ફાળવતા જિલ્લાના છ જેટલા સ્થળોએ ફ્રન્ટ લાઇટ કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં આજે અમરેલી મેડીકલ કોલેજ, બગસરા, લાઠી, રાજુલા, સાવરકુંડલા, બાબરા સહિત છ સ્થળોએ રસીકરણ પ્રારંભ થયો છે. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એફ.પટેલ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


વેરાવળ
વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિશિલ્ડ વેકસીનના 200 અને ડોળાસા સામુહિક કેન્દ્ર ખાતે 150 ડોઝ કોરોના વોરીયર્સને આપવાનું શરૂ કરાયું છે. કોરોનાને હરાવવા દેશમાં કોરોના પ્રતિરોધક રસી કોવિ શિલ્ડ આવવાની સાથે આજે કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓને ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લામાં કોવિ શિલ્ડ વેકસીન અપાઇ રહી છે. આજે માજી મંત્રી જશાભાઇ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોળાસા ખાતે કોડીનાર, ઉના, ગીરગઢડાના કોરોના વોરીયર્સને રસી અપાઇ છે. પ્રથમ લેબોરેટરી ટેકનીશયન સીધા જના વતની સંજયભાઇ વાળાને ડોઝ અપાયો છે.


ખંભાળીયા
કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનનું આગમન બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થઈ જતાં છે. 4700 ડોઝના પ્રાપ્ત થયેલા પ્રથમ રાઉન્ડમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં સવારે આ રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે શનિવારે સવારથી રસીકરણનો કાર્યક્રમ પ્રારંભ થયો હતો. હાલ જિલ્લામાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં એકમાત્ર સ્થળે જ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જિલ્લાના અન્ય સ્થળોએ રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી વિભાગ દ્વારા જણાવાયું છે.

‘રસી લેવી નથી’; આરોગ્ય કર્મીઓનો બહિષ્કાર
રાજકોટ, મોરબી, જૂનાગઢ જિલ્લામાં રોજિંદી સેવા પણ ખોરવાઇ : હડતાલ યથાવત

રાજકોટ, તા. 16
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં પંચાયતો હેઠળ આવતા આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ હોય આ વર્ગે રસીકરણ સહિતની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. આજે રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આ વર્કર્સે કોરોના વેકસીન પણ લીધી નથી. જેથી આ અભિયાન ઉપરાંત રોજિંદી આરોગ્ય સેવા ઠપ્પ થઇ છે.


જુનાગઢ
ઘણા લાંબા સમયથી આરોગ્ય કર્મીઓના પ્રશ્ર્નનો ઉકેલ આવતા પ00 જેટલા કર્મીઓએ દેશભર સહિત જુનાગઢ જિલ્લામાં કોરોનાની રસી લેવાના પ્રથમ દિવસે જ રસી લેવાનો બહિષ્કાર કરી હડતાલ ચાલુ રાખી છે. અગાઉ બબ્બે વખત લેખીત ખાત્રી બાદ પણ એક પણ પ્રશ્ર્નનો નિકાલ ન આવતા કર્મીઓમાં રોષ ફેલાયો છે.આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓના પે-ગ્રેડ, પગાર અંગેની વિસંગતા જેવા પ્રશ્ર્નો અનેક છે જેબાબતે અગાઉ આંદોલન થયું હતું. ત્યારે સરકારી બબ્બે વખત લેખીત ખાત્રી આપ્યા બાદ પણ કોઇ પ્રશ્ર્નનો હલ ન નીકળતા ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ત્રણ દિવસથી અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જુનાગઢ જિલ્લામાં પ00 આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાયા છે આ કર્મીઓ કોઇ નિરાકરણ ન આવે તો કોરોનાની રસી લેવાનો તેમજ લોકોને રી આપવાનો બહિષ્કાર કર્યો છે.


મોરબી
મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ગયા છે જેથી કરીને 250 કરતા વધારે ગામોમાં બાળ આરોગ્ય સેવાઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓની સેવાઓ, તરુણ તરુણીઓની સેવાઓ, રસીકરણ, ટેકો એન્ટ્રીની સેવાઓ ખોરવાઈ જવા પામી છે.રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનંવ્યે 284 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે જેની આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ છે અને લેબોરેટરી ટેક્નિશિયન ન હોવાથી કોરોના તેમજ બીજા ઘણા પ્રકારના રોગોના નિદાનની કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે ફાર્માસીસ્ટ ન હોવાના કારણે દવા અને વિકશીન વિતરણની કામગીરી મેડિકલ ઓફીસરોએ જાતે કરવી પડી રહી છે તેમજ સ્ટાફ નર્સ ન હોય સ્થાનિક કક્ષાએ સંસ્થાકીય પ્રસુતિનું કામ અટક્યું હોવાથી સગર્ભા બહેનોને ઘણી હાલાકી ભોગવવી પડે છે અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય કક્ષાએ થતુ કોરોના, મેલેરીયા, ટી.બી. ડેન્ગ્યુ જેવા વિવિધ બીમારીના સર્વેની કામગીરી બંધ થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ના હોવાના કારણે કોવીડ અંતર્ગત આર.ટી.પી.સી.આર. ના નમુના લઈ નિદાન કરવાની કામગીરી સદંતર બંધ થઇ છે આટલું જ નહીં પી.એચ.સી., તાલુકા હેલ્થ ઓફિસ અને જીલ્લા કક્ષાએથી રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ રિપોર્ટ આપવાની કામગીરી પણ ઠપ્પ છે.


ઉના

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંધના આદેશ અંતર્ગત ઊના તાલુકા હેલ્થ સેન્ટરના 61 કર્મચારીઓ સરકાર પાસે જુદી જુદી 11 માંગણી સાથે હડતાલ પર જતાં ઊનાના 6 હેલ્થ સેન્ટરોનું કામકાજ અટકી ગયુ છે. જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ બજાવતા ફાર્મસિસ્ટ, લેબોરેટરી ટેકનિશીયન, સ્ટાફ નર્સ, મળી 61 કર્મચારી તા.12થી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. અને રાજ્ય વ્યાપી ચાલતા આંદોલનને સમર્થન આપી મહાસંધની માંગણી સ્વીકારવામાં આવે નહી ત્યા સુધી આ ઉગ્ર લડતના મંડાણ સાથે જોડાયેલા રહેશે.

 


Related News

Loading...
Advertisement