માસ્કનો દંડ ભરવામાં થઈ ગઈ માથાકૂટ : પોલીસ કર્મીએ ભાન ભૂલી યુવતીને લાફા ઝીંકી દીધા : વીડિયો વાઈરલ

15 January 2021 10:14 PM
Ahmedabad Gujarat
  • માસ્કનો દંડ ભરવામાં થઈ ગઈ માથાકૂટ : પોલીસ કર્મીએ ભાન ભૂલી યુવતીને લાફા ઝીંકી દીધા : વીડિયો વાઈરલ
  • માસ્કનો દંડ ભરવામાં થઈ ગઈ માથાકૂટ : પોલીસ કર્મીએ ભાન ભૂલી યુવતીને લાફા ઝીંકી દીધા : વીડિયો વાઈરલ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં માસ્ક બાબતે રાહદારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેનો વિડીયો સામે આવતા ચકચાર મચી

અમદાવાદ:
કોરોના મહામારી વચ્ચે તમામ ક્ષેત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, નાના ધંધાર્થીઓ, મધ્યમ વર્ગ સહિતના લોકો સામે પહેલાથી જ આર્થિક પ્રશ્નો આવીને ઉભા છે. એવામાં સરકાર દ્વારા માસ્ક ન પહેરવાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેને પગલે આ કોરોના કાળમાં નાગરિકો અને પોલીસ વચ્ચે અનેક વાર ઘર્ષણ થયાના બનાવો બનતા રહ્યા છે. જોકે અમદાવાદમાંથી સામે આવેલા એક કિસ્સાએ હાલ ગુજરાતભરમાં ચકચાર મચાવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં માસ્ક બાબતે રાહદારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે, એક પોલીસ કર્મી ભાન ભૂલી યુવતીને લાફા ઝીંકી દેતા જોવા મળી રહ્યા છે. વાઈરલ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવી ગયો છે. તેના પર તપાસના આદેશ પણ છૂટ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પોલીસ વાનમાં એક યુવકને પોલીસ પકડીને બેસાડી રહી છે. તેવામાં યુવક સાથે રહેલી યુવતી પોલીસ વાહનનો દરવાજો જોરથી પછાડે છે. જેની પ્રતિક્રિયામાં હાજર પોલીસ કર્મીઓમાંથી એક પુરુષ પોલીસ કર્મી યુવતીને ઉપરા-ઉપરી બે લાફા ઝીંકે છે. જેના પગલે ત્યાં ભેગા થયેલા લોકોનો તુરંત દેકારો સાંભળવા મળે છે. વીડિયો બે ભાગમાં ઉતારવામાં આવ્યો હોય તેવું જણાય છે કારણ કે પ્રથમ ભાગમાં દૂરથી લેવાયેલા દ્રશ્યો છે જ્યારે બીજા ભાગમાં વીડિયો ઉતારનાર વ્યક્તિ પોલીસ વાહન પાસેથી શૂટ કરી રહ્યો છે. દ્રશ્યોમાં પાછળથી અવાજ સાંભળવા મળી રહ્યો છે કે, આ ભાઈ(પોલીસ કર્મી)એ આ બહેનને ફડાકો માર્યો છે. પોલીસ વાંનમાં બેઠેલો યુવાન માસ્કનો દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસ તેને વાહનમાં બેસાડી રહી છે. તેવું વીડિયોમાં સાંભળવા મળે છે.

જોકે, લોકો એકઠા થતા પોલીસ વાહનમાં બેસી પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી જાય છે. વીડિયોમાં જે પોલીસ વાહન દેખાય છે એના પર 'અમદાવાદ સિટી પોલીસ' લખેલું છે અને P1238 લાલ કલરથી લખેલું છે. મળતા અહેવાલો મુજબ આ વિડીયો ગઈકાલે પ્રતિક શાહ નામના યુવકે માસ્ક ન પહેરતા દંડ ફટકારવા બાબતે થયેલા વિવાદનો છે અને અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. તેમજ ઘટના નવરંગપુરાના કોમર્સ છ રસ્તા પાસે બની હોવાનુ સામે આવ્યું છે. યુવતીને ફડાકા મારનાર પોલીસ કર્મીનું નામ વિક્રમસિંહ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસકર્મીનું વર્તન અયોગ્ય અને શિસ્ત વિરોધી હોવાથી પગલાં લેવાશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપીએ આ અંગે તપાસના આદેશ પણ આપી દીધા છે.


Related News

Loading...
Advertisement