કમૂરતા ઉતરતા જ કડાકો: શેરબજાર તથા સોના-ચાંદીમાં વેચવાલીથી મંદી

15 January 2021 06:17 PM
Business Top News
  • કમૂરતા ઉતરતા જ કડાકો: શેરબજાર તથા સોના-ચાંદીમાં વેચવાલીથી મંદી

સેન્સેકસ 500 પોઈન્ટથી વધુ તૂટયો: ચાંદીમાં 1000નું ગાબડુ

રાજકોટ તા.15
મુંબઈ શેરબજારમાં આજે કડાકો બોલી ગયો હતો. ઉંચા મથાળે હેવીવેઈટ સહિત મોટાભાગના શેરો આક્રમણકારી વેચવાલીથી ગગડયા હતા. જેના પ્રત્યાઘાતથી સેન્સેકસ ઈન્ટ્રા-ડે 788 પોઈન્ટ ધસી પડયા બાદ આંશિક રિકવર થયો હતો. શેરબજારમાં વૈશ્વીક મંદી પાછળ શરુઆત જ નબળા ટોને થઈ હતી. સળંગ તેજી પછી કેટલાંક દિવસોથી કરેકશનની અટકળો ચાલતી જ હતી.

ઓપરેટરો-ઈન્વેસ્ટરો સાવચેત હતા છતાં વિદેશી સંસ્થાઓની ખરીદી તથા વિશ્વબજારોની તેજીના જોરે ભારતીય માર્કેટ પણ રોજેરોજ નવી ઉંચાઈ સર કરતું રહ્યું હતું. આજે વિદેશી બજારો નબળા પડતા ઘરઆંગણે આક્રમક વેચવાલીનું દબાણ આવ્યુ હતું. કાલથી કોરોના રસીકરણ પુર્વે જ મંદી સૂચક હતી. વિશ્વમાં કોરોના કાબુમાં આવતો નથી અને ચીનમાં માથુ ઉંચકવા લાગ્યો હોવાની સાવચેતી હતી.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ હવે બજેટની પ્રતિક્ષા કરવા લાગે અને તેના આધારીત વધઘટ રહેવાનું મનાય છે. કોરોના પર પણ વોચ રહી શકે છે.
શેરબજારમાં આજે ડો. રેડ્ડી, એચસીએલ ટેકનો, એચડીએફસી, હિન્દ લીવર, ઈન્ફોસીસ, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન, ઓએનજીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટેક મહીન્દ્ર, એશિયન પેઈન્ટસ, ભારત પેટ્રો તથા વીપ્રો ગગડયા હતા. મંદી માર્કેટમાં પણ ટેલ્કો, ભારતી એરટેલ, આઈટીસી, બજાજ ઓટો, સેઈલ વગેરેમાં ઉછાળો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 516 પોઈન્ટના ગાબડાથી 49067 હતો જે ઉંચામાં 49656 તથા નીચામાં 48796 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 154 પોઈન્ટ ગગડીને 14440 હતો તે ઉંચામાં 14617 તથા નીચામાં 14357 હતો. બીજી તરફ સોના-ચાંદીમાં પણ ઝોક મંદીનો બની રહ્યો હતો. કોમોડીટી એકસચેંજમાં સોનુ 50 રૂપિયાના ઘટાડાથી 49175 હતું. ચાંદી 900ના કડાકાથી 65780 હતી.


Related News

Loading...
Advertisement