પોંગલ તહેવારમાં તામિલનાડુમાં જબરુ રાજકીય દંગલ

15 January 2021 06:00 PM
India Politics
  • પોંગલ તહેવારમાં તામિલનાડુમાં જબરુ રાજકીય દંગલ

રાહુલે જલ્લીકટુ રમતમાં હાજરી આપી: નડ્ડાએ પોંગલ પ્રાર્થના કરી : તહેવારોનો રાજકીય લાભ ઉઠાવવા રાહુલ ગાંધી, જે.પી. નડ્ડા ચેન્નઇ પહોંચ્યા: આરએસએસના વડા પણ બે દિવસની મુલાકાતે

નવી દિલ્હી, તા.15
સામાજીક અને ધાર્મિક તહેવારોને પણ રાજકીય લાભમાં પરિવર્તન કરવા માટે જાણીતા બનેલા ભારતના રાજકીય નેતાઓ આ પ્રકારની એક પણ તક જતી કરતા નથી. ગુજરાતમાં ઉતરાયણના તહેવારોમાં પણ રાજકીય પતંગો ચગ્યા હતા તો તામીલનાડુમાં આ તહેવાર પોંગલ તરીકે મનાવવામાં આવે છે અને તે સમયે ગઇકાલે રાજકીય દંગલ પણ જોવા મળ્યું હતું. એક તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નઢ્ઢા રાજયની મુલાકાતે હતા અને તેઓ પોંગલ ઉજવણીમાં જોડાઇ ગયા હતા. તો બીજી તરફ આરએસએસના વડા મોહન ભાગવત પણ બે દિવસના ચેન્નાઇ પ્રવાસે આવ્યા છે અને તેઓએ કાડુંબરી સ્થિત ચીન્નામય મંદિરમાં પોંગલની પ્રાર્થના કરી હતી. ત્રીજી તરફ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી પણ ચેન્નઇ પહોંચ્યા હતા ટી-શર્ટ અને જીન્સમાં સજજ રાહુલે અહીંના વિખ્યાત જલ્લકટુ રમતના સ્ટેડીયમમાં હાજરી આપી હતી અને લોકોનું અભિવાદન જીલ્યું હતું.

તામીલનાડુમાં આ વર્ષે ધારાસભા ચૂંટણી યોજાવાની છે જો કે મુખ્ય લડાઇ શાસક અન્ના ડીએમકે તથા વિપક્ષ ડી.એમ.કે. વચ્ચે છે. કોંગ્રેસ અને ડીએમકે વચ્ચેનું જોડાણ છે ભાજપ રાજ્યમાં અન્ના ડીએમકે સાથે જવા માંગે છે પરંતુ હજુ કોઇ ફાઇનલ થયું નથી. જ્યારે રાજ્યમાં અભિનેતા કમલ હાસન પણ પોતાનો રાજકીય પક્ષ લઇને આવી રહ્યા છે. તે સમયે પોંગલના તહેવારોમાં હાજરી આપી રાજકીય નેતાઓએ લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ ચેન્નાઇના અવનીપુરમાં જલ્લીકટુ રમતના સ્ટેડીયમમાં હાજરી આપી હતી. રસપ્રદ એ છે કે અગાઉ મનમોહન સરકારે આ રમત પર પ્રતિબંધ મુક્યો હતો પરંતુ સુપ્રિમ કોર્ટે તે ઉઠાવી લીધો છે અને ફરી આ ગેઇમ ચાલુ થઇ છે. આરએસએસના વડા મોહન ભાગવત બે દિવસ અહીં રોકાણ કરનાર છે અને કાર્યક્રમમાં હાજરી આપશે. જે.પી. નડ્ડા અનેક કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે રાહુલે કહ્યું કે હું તમિલનાડુના કલ્ચરને જોવા માટે આવ્યો છું.


Related News

Loading...
Advertisement