કાલથી કોરોના પર રસીથી પ્રહાર શરૂ : સૌરાષ્ટ્ર-કચ્છમાં લોન્ચીંગ કાર્યક્રમો

15 January 2021 12:42 PM
Rajkot Saurashtra
  • કાલથી કોરોના પર રસીથી પ્રહાર શરૂ : સૌરાષ્ટ્ર-કચ્છમાં લોન્ચીંગ કાર્યક્રમો

જનજીવનને જોખમમાં મૂકી ખેદાનમેદાન કરી દેનાર વાયરસ સામે અંતિમ લડાઇની તૈયારીઓ પૂર્ણ:રાજકોટ સહિતના શહેર-જિલ્લાઓમાં મંત્રી, સાંસદ, ધારાસભ્યોના હસ્તે પ્રારંભ : હેલ્થ વર્કર્સ પહેલા ડોઝ લેવા સજ્જ : મોરબી, અમરેલીમાં તંત્રએ કર્યુ અંતિમ નિરીક્ષણ

રાજકોટ તા.15
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવતીકાલ તા.16ના શનિવારે સવારથી કોવિશિલ્ડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. માર્ચ મહિનામાં રાજકોટમાં પ્રથમ કોરોના કેસ આવ્યા બાદ કોરોનાએ લોકડાઉન, વેપાર-ધંધા બંધ, કુદરતી જેવા કોપના અનુભવ, લોકો અને સરકારની મજબૂરી લાચારી વચ્ચે જીવનું જોખમ, અનેક સ્વજનો ગુમાવ્યાના દુ:ખ, ખાનગી હોસ્પિટલમાં ફીના નામે લૂંટ જેવા દિવસો દેખાડયા છે. હવે શનિવારથી આ કોરોના રાક્ષસ પર પહેલા પ્રહાર જેવી વેકસીનના ડોઝ હેલ્થ વર્કરને આપવાનું શરૂ કરાશે.10 માસથી ઉંચા જીવે જીવતા લોકોને આ સાથે જ અગાઉની જેમ રોજીંદુ જનજીવન જીવવા મળશે એવુ નથી. હજુ ઘણા મહિના માસ્ક સહિતના નિયમો પાળવા પડશે. રસીકરણ સામાન્ય લોકો ૅસુધી પહોંચે અને સફળ થાય, કોરોના નાબુદ થાય તે દિવસો હજુ થોડા દૂર છે. ત્યાં સુધી માસ્ક અને તકેદારી જ સુરક્ષા કવચ છે તે પણ ભૂલવા જેવુ નથી!


રાજકોટ
રાજકોટ જિલ્લામાં આવતીકાલે પાંચ નગરપાલિકા વિસ્તારની રાજય સરકારની સિવિલ હોસ્પિટલોમાં પ્રથમ તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. જિલ્લાની ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જસદણ તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ, તબીબો, નર્સોને કોરોના રસી આપવામાં આવશે. રાજકોટના સેન્ટ્રલ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી પાંચ તાલુકાઓની હોસ્પિટલમાં જરૂરીયાત મુજબનો કોરોના રસીનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે અને માઇનસ 2 થી 8 ડિગ્રી તાપમાન સાથેના ડીપ ફ્રીઝના રસીને સાચવવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી કોરોના રસીકરણ કામગીરી શરૂ થનાર છે તેનું પ્રસારણ આ પાંચેય તાલુકામાં કરવામાં આવશે. કોરોના રસી માટે વેકસીનેટર ઉપરાંત રસીકરણ કેન્દ્રમાં જરૂરી તમામ સ્ટાફને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે. દરરોજ એક સેન્ટરમાં 100 વ્યકિતઓને કોરોના રસી આપવામાં આવશે.રાજકોટ મહાપાલિકા દ્વારા 10 કેન્દ્ર પર 100-100 હેલ્થ વર્કરને શનિવારે રસી આપવામાં આવશે. મનપાને હાલ 16,500 ડોઝ મળી ચુકયા છે.


મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 200 લોકોને અપાશે વેક્સીનનો ડોઝ
મોરબી જીલ્લામાં બે જગ્યા ઉપર કુલ મળીને 200 લોકોને આ કોરોના વેકસીનનો ડોઝ આપવાની તૈયારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગુજરાત સહીત દેશભરમાં તા.16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે ગુજરાત આવેલ કોરોના રસીની વહેંચણી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાને 5000થી વધુ ડોઝનો પ્રથમ જથ્થો ફાળવવામાં આવ્યો હતો જે બે દિવસ પહેલા જ મોરબી આવી ગયો છે. આરોગ્ય વિભાગની ટીમના ફાર્માસીસ્ટ અતુલભાઈ પટેલ અને પાઈલોટીંગ ઓફિસર વિનોદભાઈ સોલંકી રાજકોટથી વેક્સીનનો જથ્થો લઈને મોરબી આવ્યા હતા ત્યારે વેકસીન વાનનું સ્વાગત સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેકસીન હાલમાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતેથી તા. 16/01/2021થી ફન્ટલાઇન વોરીયર્સને આપવામાં આવશે આ સ્વાગત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપરાંત મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.


જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરાએ જણાવ્યુ હતું કે, કોરોના વેકસીનનો મોરબી જિલ્લાને 5000થી વધુ ડોઝનો પ્રથમ જથ્થો ફાળવવામાં આવ્યો છે જેનું કાલે લોંચિંગ કરવામાં આવશે. પહેલા દિવસે માત્ર બે જ સ્થળ ઉપર કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે જેમાં ડિસ્ટ્રીકટ હોસ્પિટલ મોરબી અને હળવદના સાપકડા પીએચસીનો સમાવેશ થાય છે અને બંને સ્થળે 100-100 આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે જો કે, કેટલાક આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોને સરકાર ઉકેલી રહી ન હોવાથી રાજ્યના મંડળે કરેલ આંદોલનના એલનની સાથે જોડાયેલા છે જેથી કરીને તે કર્મચારીઓ સિવાયના સ્ટાફમાથી લોકોની પસંદગી કરીને કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યુ છે.


અમરેલી જિલ્લો
કોરોનાની મહામારીમાં મહામૂલા જીવન ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા દેશમાં આવતી કાલ તા. 16 ના રોજ શરૂ થનાર છે.જેના ભાગરૂપે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા માટે કૂલ 11,500 જેટલો વેક્સીન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે, તે આનંદની ક્ષણો છે.


અમરેલી ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે અમરેલીના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે. અમરેલી ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો અમરેલી જિલ્લાને પ્રાપ્ત થયો છે તેમ કલેક્ટરે ઉમેર્યુ હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એફ. પટેલ તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Related News

Loading...
Advertisement