રાજકોટમાં પ્રથમવાર અશાંત ધારો લાગુ; 28 વિસ્તારમાં મિલ્કત વેચાણ પર નિયંત્રણ

15 January 2021 12:21 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં પ્રથમવાર અશાંત ધારો લાગુ; 28 વિસ્તારમાં મિલ્કત વેચાણ પર નિયંત્રણ

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌૈપ્રથમ વખત કાયદાનો અમલ:વોર્ડ નં.2માં હનુમાનમઢીથી એરપોર્ટ ફાટક વચ્ચેની પોશ વિસ્તારની સોસાયટીઓમાં મિલ્કતોના વેચાણ-ખરીદ કરતા પૂર્વે કલેકટરની પૂર્વ મંજૂરી ફરજીયાત : મહેસુલ ખાતાનો નિર્ણય

રાજકોટ, તા. 15
ગુજરાત રાજ્ય સરકારના ગૃહખાતાએ મકર સંક્રાંતિના આગલા દિવસે સૌરાષ્ટ્રના પાટનગર મનાતા અને મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં પ્રથમ વખત ઉજળીયાત મનાતા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી ર8 જેટલા સોસાયટી-વિસ્તારને સમાવતું નોટીફીકેશન બહાર પાડતા ચકચાર જાગી છે. આ વિસ્તારમાં મિલ્કત ખરીદ-વેચાણ કરતા પૂર્વે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની રહેશે તેવું જાહેર કરેલ નોટીફીકેશનમાં જણાવ્યું છે.


ગુજરાત રાજય સરકારના ગૃહખાતાએ સૌરાષ્ટ્રના પાટનગર મનાતા રાજકોટ શહેરમાં સૌથી વધુ પોશ મનાતા વોર્ડ નં.રના વિસ્તારમાં ર8 જેટલી સોસાયટીઓને અશાંત ધારામાં સમાવેશ કર્યો છે. આ અશાંત ધારાની અમલવારી તાત્કાલીક અસરથી કરવાની રહેશે. તેવું 13-1-2021ના રોજ રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ આ નોટીફીકેશન બહાર પાડતા જણાવ્યું છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ ઉજળીયાત મનાતો અને મુખ્યમંત્રીની વિધાનસભા બેઠકનો મોટા ભાગનો વિસ્તાર આવે છે તેવી ર8 જેટલી સોસાયટીઓને અશાંત ધારામાં સમાવી લીધી છે. સાથોસાથ નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ સીટી સર્વે વોર્ડ અને રેવન્યુ સર્વે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.


આ વિસ્તારોમાં મિલ્કત ખરીદ અને વેચાણ કરતા પૂર્વે જિલ્લા કલેકટરની મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે. આ સંદર્ભની જાણકારી રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ આ ર8 સોસાયટીના નામ, સીટી સર્વે વોર્ડ નં. અને રેવન્યુ સર્વે નંબર સાથેનું લીસ્ટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓ તેમજ રાજકોટ શહેર પ્રાંત-1 અધિકારીને મોકલી આપી હોવાનું જણાવ્યું છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે જે નોટીફીકેશન પ્રસિદ્ધ કર્યુ છે તેના પત્ર ક્રમાંક નંબર જીએચએમ-2021-એમ-21-એએસએન-11ર0ર1-36-એચ.1 નંબર આપીને તા.13-1-2021થી તા.12-1-2026 સુધી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.રના વિવિધ વિસ્તારોને અશાંત ધારા 1991માં સમાવેશ કર્યા છે.

વધતી જતી સામાજીક અસમાનતા : સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ : રેકર્ડ ચકાસણી બાદ અશાંત ધારો લાગુ થયો : કલેકટર 

રાજકોટમાં પ્રથમ વખત માત્ર વોર્ડ નં.2ની 28 સોસાયટીઓ માટે લાગુ કરાયેલ અશાંત ધારાના અમલ મુદ્દે કલેકટરની વાત 

રાજકોટ તા.15
સૌરાષ્ટ્રના પાટનગર મનાતા અને મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં સૌ પ્રથમ વખત વોર્ડ નં.2માં અશાંત ધારાની અમલવારી શરૂ કરવામાં આવી છે. હનુમાન મઢીથી એરપોર્ટ રોડની 28 જેટલી સોસાયટીઓમાં મિલકત ખરીદ વેચાણ અને હસ્તાંતરણ કરતા પૂર્વે જિલ્લા કલેકટરની મંજૂરી લેવાની ફરજીયાત જોગવાઇ અમલી કરવામાં આવી છે. અશાંત ધારો શા માટે લાગુ કરવામાં આવ્યો તેના કારણોમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્પષ્ટતા કરી હતી કે આ વિસ્તારની સોસાયટીઓમાં સામાજીક અસમાનતા વધતી જતી હતી અને સોસાયટીના રહેવાસીઓની ફરિયાદો આવ્યા બાદ મળેલી દરખાસ્તના આધારે રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ દરખાસ્ત રાજય સરકારને મોકલવામાં આવી હતી અને રાજય સરકારના ગૃહ વિભાગે ખાસ નોટીફીકેશન બહાર પાડી રાજકોટના વોર્ડ નં.2ની 28 સોસાયટીઓમાં અશાંત ધારાની અમલવારી કરવાનું જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે.


રાજકોટ શહેરના વોર્ડ નં.2માં મોટા ભાગે પોશ વિસ્તારની સોસાયટીઓમાં રાજય સરકારના ગૃહ વિભાગે અશાંત ધારો લાગુ કર્યો છે. 28 જેટલી સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે મિલકત ખરીદ વેચાણ થયા છે તેમાં સામાજીક અસમાનતા વધતી હતી અને સ્થાનિક સોસાયટીઓના રહીશોએ કરેલી ફરિયાદ બાદ આ મુદ્દે ઉંડી તપાસ કરવામાં આવી હતી. પાંચ વર્ષ દરમિયાનમાં આ વિસ્તારમાં થયેલા વેચાણ દસ્તાવેજોની વિગતો ચકાસવામાં આવી હતી જેના પરથી એવુ સ્પષ્ટ થયુ હતું કે સામાજીક અસમાનતા વધે છે અને ચોક્કસ કોમ્યુનિટીની બહુમતી વધતી જતી હોય લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો લઘુમતીમાં આવી ગયા હોય તે સંદર્ભની સ્થાનિક સોસાયટીના રહેવાસીઓની મળેલી ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી અને તેનો વિસ્તૃત અહેવાલ રેકર્ડ સાથે ગૃહ ખાતાને મોકલી આપવામાં આવ્યો હતો.


દરમિયાન એકાદ માસ અગાઉ વોર્ડ નં.2ની આ 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા મુદ્દે મળેલી દરખાસ્તના આધારે રાજય સરકારના ગૃહ વિભાગને અહેવાલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હવેથી કોઇપણ મિલકત ખરીદ વેચાણ કરતાં પૂર્વે જિલ્લા કલેકટરની મંજૂરી લેવી ફરજીયાત છે. સાથો સાથ મિલકતનું હસ્તાંતરણ પણ કરતા પૂર્વે કલેકટર પાસેથી મંજૂરી લેવાની રહેશે. આ માટે આ વિસ્તારની સોસાયટીના રહેવાસીઓએ અરજી કરવાની રહેશે અને ત્યારબાદ ગુણદોષના આધારે ચકાસણી કરી મિલકત વેચાણની મંજુરી આપવી કે કેમ? તેનો નિર્ણય કરવામાં આવશે તેવુ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement