રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારે અનેક સ્થળે ઝાકળ છવાયુ

15 January 2021 11:41 AM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારે અનેક સ્થળે ઝાકળ છવાયુ

નલિયા 7.1, કેશોદ 8.6, ડીસા 10.પ ડિગ્રી સાથે ફરી ઠંડી વધી : અમદાવાદ-વડોદરા-સુરત, ભાવનગર, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં સામાન્ય ઠંડી

રાજકોટ, તા. 15
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અનેક સ્થળોએ ઝાકળભીની સવાર રહેવા પામી હતી. વ્હેલી સવારે વિવિધ સ્થળોએ ધુમ્મસ છવાયુ હતું અને તિવ્ર ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.ખાસ કરીને રોજની જેમ જ આજે પણ કચ્છના નલિયા ખાતે રાજયની સૌથી વધુ ઠંડી નોંધાવા પામી હતી.નલિયામાં આજે સવારે 86 ટકા ભેજ સાથે ધુમ્મસ છવાયુ હતું અને લઘુતમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાતા અત્રે તીવ્ર ઠંડી યથાવત રહેવા પામી હતી તેમજ ભૂજ ખાતે 13.4 ડિગ્રી અને કંડલામાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.


જ્યારે રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે 78 ટકા ભેજ રહેતા આછેરૂ ધુમ્મસ છવાયુ હતું. આ ઉપરાંત ન્યુનતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાતા સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં સવારે 8.30 કલાકે 14.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.તેમજ ખંભાળીયા પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસ થયા ઠંડીનું પ્રમાણ ઘટયુ છે. આ સાથે ખંભાળીયા તાલુકામાં ગુરૂવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યૂ વાતાવરણ સર્જાયુ હતું. સવારના સમયે ઉતરી આવેલી ઝાંકળના કારણે ખાસ કરીને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગાઢ ધુમ્મસ બાદ તાપમાનનો પારો ઉંચકાયો હતો.


દરમ્યાન ડીસા અને કેશોદમાં આજે ફરી ઠંડી વધવા પામી હતી. આજે સવારે ડીસા ખાતે 10.પ ડીગ્રી અને કેશોદ ખાતે 8.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.જોકે આજે અમદાવાદ, વડોદરા, સુરત ભાવનગર, પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સવારે સામાન્ય ઠંડી અનુભવાઇ હતી. આજે સવારે અમદાવાદમાં 15, વડોદરામાં 14, સુરતમાં 18.2, ભાવનગર 15, પોરબંદર 13, વેરાવળ 14.4, દ્વારકા 16.4, ઓખા 17.2, સુરેન્દ્રનગર 14 તથા અમરેલીમાં 12, ગાંધીનગરમાં 12.5, મહુવા 13.9, દિવ 14.2, વલસાડ 13 અને વલ્લભવિદ્યાનગર 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


Related News

Loading...
Advertisement