રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાને ભૂલી લોકો દ્વારા ગઇકાલે પતંગ પર્વની ભારે ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું હતું. તો રાત્રે ફટાકડાની આતશબાજી અને ફાનસ-તુક્કલો પણ ધૂમ ઉડયા હતા. આ સાથો સાથ ગેસનાં રંગબેરંગી બલુનોની પણ બાળકોએ મજા માણી હતી. સવારે 9 થી રાત્રીનાં 9 સુધી અગાશી અને ધાબાઓ ધમધમ્યા હતા. અગાશી ઉપર ચીકી-જીંજરા-શેરડી, બોર અને અન્ય ખાણીપીણીની મોજ સંગ ગઇકાલે આખો દિવસ અગાસી અને ધાબાઓ ઉપરથી એ કાપ્યો છે, આવે છે, લપેટ, પકડ-પકડ જેવી બુમરાણો સંભળાતી રહી હતી. રાજકોટની વાત કરીએ તો ગઇકાલે સવારે 9 થી 12 સુધી પવન થોડો મંદ રહેતા પતંગ રસીયાઓના બાવડા દુખ્યા હતા. જો કે બપોરે 12 વાગ્યા બાદ સારો પવન નિકળ્યો હતો અને છેક સાંજ સુધી પવનનું જોર જળવાઇ રહેતા નગરજનોને પતંગ ચગાવવાની મોજ પડી ગઇ હતી. ખાસ કરીને જૂના રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ જ પતંગ પર્વની શાનદાર અને ધૂમ ધડાકાભેર ઉજવણી થઇ હતી. અગાશી અને ધાબાઓ ઉપર સવારથી ચડી ગયેલા પતંગ પ્રેમીઓએ પતંગો અને પેચની ભરપૂર મોજ માણી હતી અનેક અગાશી અને ધાબાઓ ઉપર બપોરનાં જમણવાર પણ થયા હતાં. તો સાંજના સમયે ફટાકડાનાં ધૂમ-ધડાકા, જોરદાર સંભળાયા હતા અને આકાશ અવનવી આતશબાજીથી છવાઇ ગયુ હતું. આ સાથો સાથ ઠેર-ઠેર પ્રતિબંધીત તુક્કલો પણ ઉડતા નજરે પડયા હતા. આતશબાજી અને ફાનસની આ રંગોળી આકાશમાં રાત્રીનાં 9 વાગ્યા સુધી છવાયેલી રહી હતી.