સમસ્ત હાલારી લોહાણા રૂપારેલીયા પરિવારના કુળદેવી મંદિરમાં હોદ્દેદારોની વરણી
હાલારી લોહાણા રૂપારેલીયા પરિવારના ધારી તાલુકાના દેવળા મુકામે બિરાજમાન કુળદેવી મા ભવાની મંદિરમાં વિવિધ હોદ્દાઓની સર્વાનુમતે વરણી કરી જવાબદાર ખંતીલા માઇ ભકતોને કારભાર સોંપવામાં આવેલ સમસ્ત રૂપારેલીયા પરિવારની કારોબારી અને ટ્રસ્ટી મંડળની જનરલ બેઠકમાં નવા સુકાનીઓને કારભાર સોંપવામાં આવેલ.
ધારીમાં નેત્રયજ્ઞ યોજાશે
ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞમાં ઓપરેશન કરવા જતા દર્દીઓને માર્કેટીંગ યાર્ડ ધારી ખાતે નાસ્તો કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ. તા. 3/2ને બુધવારના રોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તો ઓપરેશનના લાયક વ્યકિતઓએ માર્કેટીંગ યાર્ડ ધારી ખાતે હાજર રહેવું. દર મહિનાના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત વેબીનાર
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવાસમિતિ ગુરૂકુળ સંચાલિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા જીલ્લામાં વિજ્ઞાન પ્રચાર પસાર તથા લોકજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે જે અનુસંધાને તારીખ 1ર જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત બપોરે 3 કલાકે યુટયુબ પર લાઇવ વેબીનાર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વકતા તરીકે ગોપાલભાઇ ચૌહાણ (સ્વામી વિવેકાનંદ શાળા, બોટાદ) દ્વારા યુવાનોનું મનોબળ વધારવા માટે જરૂરી માહિતી સાથે સદા જીવન ચરિત્રનો મહિમા કહેવામાં આવ્યો હતો.
મકરસંક્રાંતિના દિવસે વિવિધ ક્ષેત્રે પુણ્યદાન
બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તથા તેમના સામાજીક ધાર્મિક સંગઠનો જેવા કે ગૌરક્ષક સમિતિ, રાષ્ટ્રીય કરણી સેના, સૂર્ય સેના, કાઠીક્ષત્રીય સેના, ઇન્ટરનેશનલ જૈન પૈગંબર ફાઉન્ડેશન, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રવંદના મંચ, વિશ્ર્વસનાતન ધર્મ પરીષદ , તહેલકા ન્યુઝ, શિવસેના વિગેરે સંસ્થા સંગઠનો દ્વારા એક ગણુ દાન-સહસ્ત્ર ગણા પુણ્યના પર્વ પ્રસંગે ગાયોને ઘાસ, કબુતરને ચણ, નાના ભુલકાઓને પતંગ દોરા, ગરીબ સાધુ બ્રાહ્મણો, ફકીરો વગેરે જરૂરીયાતમંદોને મિષ્ટાન યુકત ભોજન સાથે દાન દક્ષિણા અને ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવેલ.
બોટાદ ગુરૂકુળ ખાતે ઘનશ્યામ મહારાજનો પુષ્પા અભિષેક સંપન્ન
શ્રી સ્વામીનારાયણ પ્રાર્થના મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજની માગસર વદ દસમના રોજ ત્રણ વર્ષ પુરા થતા હોય તે નિમિતે પાંચ પ્રકારના ર00 કિલો પુષ્પોથી ષોડપશાર પૂજન સાથે ગુરૂવર્ય કોઠારી સ્વામી ધર્મસ્વરૂપદાસજીના આશીર્વાદથી કાર્યક્રમ યોજાયો. અભિષેકની સાથોસાથ સત્સંગ સભા, શાકોત્સવ, સુંદરકાંઠના પાઠ સાથે ભવ્યતાથી ગઢપુર મંદિરના ચેરમેન સ્વામી હરીજીવનદાસજી સ્વામી, કોઠારી સ્વામી હરીપ્રસાદદાસજીસ્વામી, સાળંગપુરથી પૂજય વિવેકસ્વામી, કારીયાણી, લાઠીદડ, ટાટામ, દામનગર, ગઢડા ઘેલા કાંઠે ગુરૂકુલથી પૂજય સંતોએ પધારી પાટોત્સવના યજમાન અશોકભાઇ મોહનભાઇ, મીતુલભાઇ, શૈલેષભાઇ રતનપર વાળા સેવાનો લાભ લીધેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સંત મંડળ, ટ્રસ્ટી મંડળ, શિક્ષણગણ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી.
નવાબંદર ગામમાં ચાલતો ગે.કા. દારૂનો અડ્ડો બંધ કરવા માંગ
ઊનાના નવાબંદર ગામે વિધવા મહીલા ગે.કા.દારૂનો અડો ચલાવી બેફામ વેચાણ કરતી હોય અને બાજુ માંજ રહેતા લોકોને ધકધમકી આપી હેરાન પરેશાન કરતી હોય આ દારૂનો અડો બંધ કરાવવા મનિષાબેન ભરતભાઇ બાંભણીયાએ નવાબંદર મરીન પોલીસે લેખિત રજુઆત કરી કડક કાર્યવાહી હાથ ધરવા માંગણસ કરેલ છે. નવાબંદર ગામે રહેતી વિધવા મહીલા રતનબેન ગભરૂભાઇ સોલંકી પોતે ગે.કા.મોટાપાયે દારૂનો અડો ખુલ્લે આમ પોતાના ધરમાં ચલાવતી હોય અને બાજુમાંજ રહેતા મનિષાબેન તેમજ તેના પતિ ભરતભાઇ બાંભણીયાને આ બુટલેગર મહીલા અવાર નવાર ધમકાવી હેરાન પરેશાન કરતી હોય આ દારૂનો અડો ચાલુ હોય રોજના મોટી સંખ્યામાં દારૂડીયાએ આવતા હોય છે. અને મોટી વગધરાવતી આ મહીલા અન્ય કેસમાં તથા દુષ્કર્મ કેસમાં તેના પતિને સંડોવી જેલમાં પુરાવી દેવા ધમકી પણ આપી તમારે જ્યા દોડવુ હોય ત્યાં દોડો તેવું બોલી હેરાન કરે છે. અને આ મહીલા તેનો સાગરીત છગન કાના સોલંકી અવાર નવાર રોડ પર પોતાની બાઇક આડી રાખી ધમકાવી હેરાન કરતા આ બાબતે નવાબંદર મરીન પોલીસ લેખિત રજુઆત કરી આ દારૂનો અડો બંધ કરાવવા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગણી કરેલ છે.
ઉનામાં યુવા ભા.જ.પા દ્વારા સ્વામી વિવેકાનંદજીનો જન્મોત્સવની ઉજવણી કરાય
ઉના યુવા ભાજપ દ્વારા નગરપાલિકા ભવન ખાતે યુવા ભા.જ.પા શહેર તેમજ તાલુકાના કાર્યકરો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયેલ અને તેમના જીવન ચરિત્ર વિશેનું વાંચન કરી યુવાનોમાં જોશ અને જાગૃતિનું સિંચન કરેલ હતું. આ તકે ઉપસ્થિત કાર્યકરોમાં નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશ જોશી, વિનોદભાઈ બાંભણીયા, હિતેશભાઈ દિવેચા તેમજ તાલુકામાંથી કિશનભાઇ ડોડિયા, હિરેનભાઈ બાંભણીયા તેમજ ભાવેશભાઈ ડાંગોદરા તેમજ યુવા ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઊના તાલુકામાં શનિવારે આરોગ્ય કર્મચારીને વેક્સીન આપવાની શરૂઆત કરાશે
કોરોનાની વેક્સીંન આપવાનું શરૂ થઇ ગયેલ છે. ત્યારે ઊના તાલુકામાં પણ વેક્સીન આપની શરૂઆત શનિવારે આરોગ્ય કર્મચારીઓને શનિવારે દેલવાડા પી એચ સી આરોગ્ય કેન્દ્ર ખાતે ઊના તાલુકાના 100 આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યાર બાદ સોમ અને મંગળવાર બે દિવસ ઉના શહેરમાં આરોગ્ય કર્મી અને ખાનગી હોસ્પીટલના કર્મચારીઓ તેમજ સરકારી કર્મીઓને વેક્સીંન આપવાની શરૂઆત થશે. જેમાં 600 જેટલા લોકોને આપવાની આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી બતાવેલ હતી. આ બાબતે આરોગ્ય વિભાગના અધિકારી ડો.પઢીયારે જણાવેલ હતું. ઉપરથી જેમ જેમ વેક્સીન મળતી જશે તેમ તેમ પ્રથમ કર્મચારી બાદમાં અન્ય લોકોને વેક્સીન આપવામાં આવશે.