30મી માર્ચથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થશે

13 January 2021 10:30 PM
Education Gujarat
  • 30મી માર્ચથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થશે

રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને દરેક જિલ્લામાં નક્કી કરાયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષા આપવાની રહેશે

રાજકોટઃ
30મી માર્ચથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થશે. આ અંગે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મે માસમાં યોજાનાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિધાર્થીઓની 30મી માર્ચથી જિલ્લાસ્તરે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે.

રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને દરેક જિલ્લામાં નક્કી કરાયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષા આપવાની રહેશે. આ અંગે તમામ શાળાઓને પણ જાણ કરવામાં આવી છે.

અગાઉ જાહેરાત થયા મુજબ, કોરોના વચ્ચે વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. જેમાં ધોરણ 9, 10, 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા OMR પદ્ધતિના હેતુલક્ષી પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. પરીક્ષામાં અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા હતું. આ ઉપરાંત ધોરણ 9થી 12ના પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 થી 12ના વિષયોના સુધારેલ અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર અને પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્રો શાખાકક્ષાએ તૈયાર થશે. ફેરફાર કરેલ પરીક્ષા પદ્ધતિમાં માત્ર આ વર્ષ માટે લાગુ રહેશે. તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement