શ્રીનગર:
જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર પર 233 મુસાફર ભરેલુ વિમાન જામી ગયેલા બરફ સાથે ટકરાયુ હતું. દૂર્ઘટનાના પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. જોકે ચમત્કાર તો એ થયો કે પ્લેન બરફ સાથે ટકરવા છતાં એક પણ મુસાફરને કોઈ ઇજા પણ નથી થઈ. તમામનો આબાદ બચાવ થયો છે.
વિસ્તૃત વિગત મુજબ જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના થતા થતા સ્હેજમાં ટળી હતી. 233 મુસાફરો ભરેલુ ઇન્ડિયો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ જામી ગયેલા બરફ સાથે ટકરાઇ ગયુંહતું. જોકે, એક પણ મુસાફરને કોઇ નુકસાન થયુ નથી. આ ઇન્ડિગોની 6E-2559 નંબરની ફ્લાઇટ શ્રીનગરથી દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે. ચોતરફ બરફની ચાદર પથરાઈ ગઈ છે. રોડ રસ્તા પર વાહન વ્યવહાર અવરોધિત થયા છે. એરપોર્ટ પર બરફ દૂર કરી એક બાજુ ભેગો કરવામાં આવે છે. રન વેથી હટાવવામાં આવેલો બરફ એક ખુણામાં જ છોડી મુકાયો હતો. ત્યારે ઉડાન ભરવા જઈ રહેલા વિમાનના એન્જિનનો ડાબો ભાગ બરફમાં ફસાઇ ગયો હતો. જોકે, તુરંત તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આખા વિમાનની એરપોર્ટની ટેક્નિકલ-મેકેનિકલ ટીમ દ્વારા ચકાસણી થઈ હતી. બધું સુરક્ષિત હોવાની ખાતરી બાદ ઈન્ડિગોની આ ફ્લાઈટે ઉડાન ભરી હતી.