રાજકોટ, તા. 13
શહેરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પુ, તમાકુ, ડિટરજન્ટ પાવડર સહિતનો બનાવટી માલ સામાન વેચવાના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને જામીન મુકત કરવા કોર્ટે હુકમ ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પુ, ડિટરજન્ટ, પાવડર અને તમાકુનો ધીકતો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે યુનિવર્સિટી રોડ પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી અમુલ-ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટથી તેમજ ડવ શેમ્પુ, મીરાજ, બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ પાવડર અને સાબુનો દોઢ લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી. 8 વ્યકિતઓ સામે ગુનો નોંધી જેમાંથી 7 વ્યકિતઓની અટક કરી હતી. જેમાં લોહાણા બંધુઓ દેવભાઇ ઉમેશભાઇ ગણાત્રા, ઉમેશભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રા, નિલેશભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રા, દિપકભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રાને પણ અટક કર્યા હતા. ઉપરોકત ચારેય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ ચારેય આરોપીને જામીન મુકત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ચારેય આરોપીઓ વતી એડવોકેટ ચેતનભાઇ પજવાણી, રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી અને વૈભવ કુંડલીયા રોકાયા હતા.