ગ્રાન્ટેડ શાળાઓમાં 5700 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સપ્તાહમાં શરૂ થશે : મંત્રી ચુડાસમા

13 January 2021 07:20 PM
Ahmedabad Gujarat
  • ગ્રાન્ટેડ શાળાઓમાં 5700 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સપ્તાહમાં શરૂ થશે : મંત્રી ચુડાસમા

શિક્ષણક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા કેબીનેટની બેઠકમાં નિર્ણય

ગાંધીનગર તા.13
શિક્ષણક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજય સરકારની કેબીનેટ બેઠકમાં લેવાયેલ છે. જેમાં રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજો માટે 927 અઘ્યાપક સહાયકોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાયા બાદ હવે અનુદાનિત માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સપ્તાહમાં જ શરૂ કરાશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે અધ્યાપક સહાયકોની ભરતી માટે તા.ર0 જાન્યુઆરી-ર0ર1 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકીર્દી ઘડતર માટે સમગ્રતયા 6616 જેટલી નવી ભરતી કરવાનો નિર્ણય વિજય ભાઈ રૂપાણીએ કેબીનેટ બેઠક દરમ્યાન લીધો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એ કહ્યું હતું કે આવનાર ભરતીમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.

ઉપરાંત રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે. તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રી ના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર દ્વારા 12344 શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં કેટલાક કિસ્સાઓમાં નિમણુંકો નહીં આપવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. આજે આ અંગે શિક્ષણ પ્રધાન ને પુછતાં તેમણે એવો રદિયો આપ્યો હતો કે ક્યાંક કોર્ટ મેટરો હોવાના કારણે નિમણુંકો પડતર રહી હશે. પરંતુ આ ભરતી પ્રક્રિયા તેમાંનો એક ભાગ જ છે જે સમય મર્યાદા માં પુરૂ કરવાની ખાતરી આપી છે.


Related News

Loading...
Advertisement