નવું સાયકલ શેરીંગ ઓનલાઇન : ભાડુ પણ વોલેટમાંથી કપાશે

13 January 2021 07:18 PM
Rajkot
  • નવું સાયકલ શેરીંગ ઓનલાઇન : ભાડુ પણ વોલેટમાંથી કપાશે

રાજકોટમાં પબ્લીક બાઇક શેરીંગનો પાયલોટ પ્રોજેકટ તૈયાર : એક જ વખત નોંધણી કરાવવી પડશે : આમ્રપાલી બ્રીજ સહિતના પ્રોજેકટ સ્થળની ફરી મુલાકાત લેતા કમિશ્નર : આવતા સપ્તાહે અનેક કાર્યક્રમોની તૈયારી

રાજકોટ, તા. 13
ટ્રાફિકની સમસ્યાનો ક્રમશ: ઉકેલ આવે તે માટે રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. જે પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે વહેલી સવારે રૈયા રોડ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્થળ વિઝીટ કરી હતી. આવતા સપ્તાહે મુખ્યમંત્રીના હસ્તે આ સહિતના અનેક પ્રોજેકટના ઉદઘાટન તથા ભૂમિપૂજન થવાના છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે દ્વારા શહેરીજનો માટે કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું તુર્ત જ લોન્ચ કરવા અંગેની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે માય બાઈક એજન્સી મારફત પબ્લિક બાઈક શેરીંગ સ્ટેશન મારફત પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. શહેરીજનો આ પ્રોજેક્ટ હેઠળની સાયકલનાં વપરાશ કરવા માટે નિર્ધારિત સ્થળ પર માત્ર એક વખત રજીસ્ટ્રેશન કરાવી, મોબાઈલ એપ્લીકેશનની મદદથી સાયકલ લઇ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકાશે તથા નિર્ધારિત સ્થળ પર સાયકલ જમા થયા બાદ મુસાફરી પૂર્ણ થયેલ ગણાશે વપરાશકર્તાનાં મોબાઈલ એપ વોલેટમાંથી સાયકલ ભાડાની ચૂકવણી થઇ જશે અને સાયકલ શેરીંગ માટે વારંવાર રજીસ્ટ્રેશન વિગેરે પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
આ અન્ડરબ્રીજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-1 (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (આરએમસી સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનરે વહેલી સવારે આમ્રપાલી અન્ડરબ્રીજ સહીત ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક નાખવાની ચાલતી કામગીરીમાં જિલ્લા ગાર્ડન વોટર વર્કસ હેઠળ જયરાજ પ્લોટ, કોઠારીયા વોટર વર્કસ હેઠળ વેલનાથ સોસાયટી અને વાવડી વોટર વર્કસ હેઠળ શ્રીજી સોસયટીમાં રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં નાયબ કમિશનર એ.આર.સિંહ, કમિશનર ચેતન નંદાણી, એડી. સિટી. એન્જી. એમ.આર.કામલીયા, બી.યુ.જોષી, એચ.એમ. કોટક, વાય.કે.ગૌસ્વામી, રોશની શાખાના ઇન્ચા. સિટી એન્જી. શ્રી બી.ડી. જીવાણી, ડાયરેક્ટર ગાર્ડન ડો. કે.ડી.હાપલીયા, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને આસી. મેનેજર એન.કે.રામાનુજ જોડાયા હતા.


Related News

Loading...
Advertisement