રાજકોટ તા.13
કણકોટ ગામે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા પીજીવીસીએલનાં કર્મચારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના અને ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.62 હજારની મતાની તસ્કરી કરી હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સ્ટાફે કાર્યવાહી આદરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કણકોટનાં પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નંબર 476 હાર્ડવેર વાળી શેરીમાં રહેતા રામજીભાઇ મોહનભાઇ મુછકીયા (ઉ.વ.45) નામના પીજીવીસીએલના કર્મચારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.9/1નાં રોજ અમારા ગામડે સરપદડ જવાનું હોય નીકળેલા અને મકાનને અમોએ તાળુ માર્યુ હતું. ઘરે કોઇ હતુ નહી જે ચાવી મારી પાસે હતી ત્યાંથી અમો અમારા ગામ સરપદડ ઘરકામ હોય ત્યાં જ રોકાયા હતાં. તા.11/1ના રોજ સવારે અમારા પાડોશીનો ફોન આવ્યો અને કહેલ કે તમારા ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા અને ચોરી થઇ હોવાનું જણાવતાં જ હું ઘરે આવી જોતાં જ ઘરની તીજોરીનાં તાળા તુટી ગયા હતાં. તીજોરીમાંથી સોનાનો ચેઇન, બુટી, સોનાની વીંટી, સોનાના નાકનાં દાણા, ચાંદીનો ઝુડો, ચાંદીના સાકળા અને રોકડ રૂા.10,000 સહિત રૂા.62 હજારની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં એ.જી.અંબાસણા સહિતનાં સ્ટાફે તપાસ આદરી હતી.