આ વર્ષે પણ ઘાયલ પક્ષીઓનાં જીવ બચાવવા રાજય સરકાર સજ્જ : વિજય રૂપાણી

13 January 2021 06:44 PM
Gujarat
  • આ વર્ષે પણ ઘાયલ પક્ષીઓનાં જીવ બચાવવા રાજય સરકાર સજ્જ : વિજય રૂપાણી

કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ પક્ષીઓને બચાવાયા : મુખ્યમંત્રી દ્વારા ઘાયલ પક્ષીઓનાં જીવ બચાવવા 10 દિવસનાં કરૂણા અભિયાનનો ઇ-શુભારંભ

ગાંધીનગર તા.13
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં 50,000થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા છે. આ વર્ષે પણે ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ 6 વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે તેમ કરૂણા અભિયાન-2021નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.


રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને આદેશો આપ્યા છે. ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન- 2021નો આજે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે ઇ-શુભારંભ કરાયો હતો. ગાંધીનગર ખાતે વન મંત્રી ગણપતભાઇ વસાવા, પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, પશુપાલન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, વન રાજ્ય મંત્રી રમણલાલ પાટકર આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે સહભાગી થયા હતા.


મુખ્યમંત્રી કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2017થી મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ.


રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે આઇસીયુ, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.


વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી રૂપાણીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. અત્યાર સુધીમાં આ અભિયાન થકી હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. 11 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ 250 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ અને બર્ડ ફ્લુની એસઓપીનું યોગ્ય પાલન થઈ શકે તેમ માટે પીપીઇ કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે 20,000 પીપીઇ કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જે મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે. ચાલુ વર્ષએ કરૂણા અભિયાનમાં 421 સારવાર કેન્દ્રો, 71 મોબાઇલ વાન, 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા 529 પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Related News

Loading...
Advertisement