રાજકોટ તા.13
ગુજરાતમાં હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા ધોરાજીના ત્રણ શખ્સોએ હથિયારો અને રોકડ રકમ સાથે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી ઝડપાયા છે. મહારાષ્ટ્ર એટીએસએ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી બે પીસ્ટલ, 8 કારતૂસ, રૂ. 3 લાખની રોકડ અને એક યુએઈનું આઈડી કાર્ડ મળી આવતા હવાલા કૌભાંડનું નેટવર્ક પાકિસ્તાન-દુબઈ સુધી ફેલાયું હોવાનો અંદાજ છે. મળતી વિગત મુજબ મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના જુહુ યુનિટે બાતમીના આધારે રવિવારે અંધેરી લિન્ક રોડ પર સિટી મોલ સામેથી કારમાં સવાર 3 શખ્સોની ધરપકડ કરી હતી. કારમાંથી બે દેશી ગન, 8 બુલેટ અને 14 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કારની ઝડતી લેતા રૂ.3 લાખની રોકડ પણ મળી આવતા એટીએસની ટીમને હવાલા કૌભાંડની ગંધ આવી ગઈ હતી. આરોપીઓના નામ પૂછતાં પોતે પોતાના નામ યુનુસ જુણેજા, સોહેલ સૈયદ, અને ઈલિયાસ માજોઠી હોવાનું પૂછપરછમાં કહ્યું હતું. પૂછપરછમાં આ આરોપીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીના મૂળ વતની અને હાલ સુરત રહેતા હોવાની જાણ થતાં રાજકોટ અને સુરતની પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. આરોપીમાંના એક શખ્સ પાસેથી યુએઇનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. જેથી હવાલા કૌભાંડનું દુબઈ - પાકિસ્તાનમાં કનેક્શન હોવાની શકયતા છે. બીજી તરફ અહીં રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ એ.આર. ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સૌ પ્રથમ આરોપીઓના નામ પરથી તેઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરાયો હતો પરંતુ કંઈ હાથ લાગ્યું નથી. જેથી આરોપીઓને લાગતા - વળગતા ધોરાજીમાં રહેતા લોકોની આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે.
હવાલા કૌભાંડ માટે ધોરાજી જાણીતું, અગાઉ પણ નામચીન અફરોજ ફતા પકડાયો’તો
રાજકોટ જીલ્લાનું ધોરાજી હવાલા કૌભાંડ માટે જાણીતું છે. અહીંથી હવાલાનું દુબઇ કનેકશન અગાઉ પણ સામે આવી ગયેલુ છે. ત્રણેક વર્ષ પહેલા સુરતથી મુળ ધોરાજીનો અફરોજ ફતા કરોડોના હવાલા કૌભાંડમાં પકડાયો હતો. તે સમયે સૌરાષ્ટ્રના મોટા રાજકીય વ્યકિતઓના નામ પણ ચર્ચામાં આવ્યા હતા. કરોડોનું હવાલા કૌભાંડ હોવાથી ઇડી સહીતની એજન્સીઓએ પણ તપાસમાં જંપલાવ્યું હતું.
આરોપીના પિતાને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય
મુંબઇ એટીએસએ પકડેલા મુળ ધોરાજીના ત્રણ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન સાથે આવેલી વીગત મુજબ આરોપીઓમાંથી એક આરોપીનો પરિવાર ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલો છે. હાલ આ પરિવાર ધોરાજીથી સુરત સ્થાયી થયા છે. પોલીસ હાલ વધુ વીગતો મેળવી રહી છે.
ધોરાજીમાં એટીએસના ધામા
હવાલા કૌભાંડને લઇ ધોરાજીમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સુત્રોનું માનીએ તો ગુજરાત એટીએસની ટીમે ધોરાજીમાં ધામા નાખ્યા છે તેવી ચર્ચાને જોર મળ્યુ છે. આરોપીઓ સાથે ઉઠતા-બેસતા અને સંપર્ક ધરાવતા વ્યકિતઓની પુછપરછ કરાઇ રહી હોવાનું પણ જાણવા મળી રહયુ છે.