રાજકોટ તા.13
મુંબઈ શેરબજારમાં બેતરફી અફડાતફડી વચ્ચે મંદીનો ઝોક રહ્યો હતો. સેન્સેકસમાં 700 પોઈન્ટથી વધુની વધઘટ થઈ હતી.શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને થઈ હતી. પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ આવતા ટોચની સપાટી જળવાઈ શકી ન હતી. હેવીવેઈટની સાથોસાથ રોકડાના શેરોમાં પણ ઈન્વેસ્ટરો- ઓપરેટરોની નફારૂપી વેચવાલી નીકળી પડી હતી. આ તકે વિદેશી સંસ્થાઓને ટેકો મળતા વધુ ઘટાડો અટકયો હતો. દિવસ દરમ્યાન બેતરફી વધઘટ નોંધાઈ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે વેકસીનેશન તથા તેની અસરકારકતા પર નજર રહે તેમ છે. માનસ પ્રોત્સાહક બની રહ્યું છેછતાંકરેકશનની અટકળોને કારણે મોટો વર્ગ ખરીદીથી દૂર છે.
શેરબજારમાં આજે સ્ટેટ બેંક, એકસીસ બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઈન્ડુસઈન્ડ બેંક, મહીન્દ્ર, ઈન્ડીયન ઓઈલ, અદાણી પોર્ટ, ટેલ્કો વગેરે દબાયા હતા. રીલાયન્સ, સન ફાર્મા, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વિસ, ડો. રેડ્ડી, એચડીએફસી, કોટક બેંક, એચડીએફસી બેંક, શ્રી સિમેન્ટ વગેરે તૂટયા હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 81 પોઈન્ટ ઘટીને 49435 હતો તે ઉંચામાં 49795 તથા નીચામાં 49073 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 17 પોઈન્ટ ઘટીને 14545 હતો તે ઉંચામાં 14653 તથા નીચામાં 14435 હતો.