મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રે બનાવ્યા 233 રન: ટીમનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર : વિદર્ભને 79 રને હરાવ્યું

13 January 2021 04:03 PM
Sports
  • મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રે બનાવ્યા 233 રન: ટીમનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર : વિદર્ભને 79 રને હરાવ્યું
  • મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રે બનાવ્યા 233 રન: ટીમનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર : વિદર્ભને 79 રને હરાવ્યું

વિદર્ભ 154 રનમાં ઓલઆઉટ: ચેતન સાકરીયાએ ધારદાર બોલિંગ ફેંકી પાંચ અને પ્રેરક માંકડે ચાર વિકેટ ખેડવી: ટી-20માં 200થી વધુ રન બનાવનારી સૌરાષ્ટ્ર 12મી ટીમ:અવિ બારોટે 44 બોલમાં 93, પ્રેરક માંકડે 26 બોલમાં 59 અને અર્પિત વસાવડાએ 20 બોલમાં ફટકાર્યા 39 રન


રાજકોટ, તા.13

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-વિદર્ભ વચ્ચે રમાઈ રહેલા સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના મુકાબલામાં ટીમ સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતાં અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. નિર્ધારિત 20 ઓવરમાં સૌરાષ્ટ્રના બેટધરોએ ફટકાબાજી કરતાં 7 વિકેટે 233 રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર વતી અવિ બારોટ, પ્રેરક માંકડ, અર્પિત વસાવડા સહિતના બેટસમેનોએ આક્રમક બેટિંગનું પ્રદર્શન કરી વિદર્ભના બોલરોની ખબર લઈ લીધી હતી. બોલિંગમાં ચેતન સાકરિયા અને પ્રેરક માંકડે આગઝરતાં બોલ ફેંકીને વિદર્ભને 154 રનમાં ઓલઆઉટ કરી દેતાં સૌરાષ્ટ્રનો 80 રને શાનદાર વિજય થયો હતો. ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રે સતત બીજી જીત પોતાના નામે કરી છે.

વિદર્ભે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ વિકેટ હાર્વિક દેસાઈના રૂપમાં 19 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. હાર્વિક 10 રન બનાવીને જ આઉટ થયો હતો. આ પછી સૌરાષ્ટ્રના 19 રનના સ્કોર પર સમર્થ વ્યાસ પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ જતાં સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. જો કે અવિ બારોટ અને પ્રેરક માંકડે મળીને શાનદાર ફટકાબાજી કરીને ટીમના સ્કોરને 90 રન સુધી પહોંચાડી દીધો હતો. આ ભાગીદારી હજુ આગળ વધે તે પહેલાં જ 26 બોલમાં 59 રને રમી રહેલા પ્રેરક માંકડે કેચ આપી બેસતાં તે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અવિ બારોટ અને અર્પિત વસાવડાએ 100 રનની ભાગીદારી કરતાં સ્કોર બોર્ડ પર સૌરાષ્ટ્રના 15.5 ઓવરમાં 190 રન નોંધાવી દીધા હતા. આ વેળાએ લાગતું હતું કે સૌરાષ્ટ્ર 250 રનને પાર કરી જશે પરંતુ અવિ બારોટ 44 બોલમાં 93 રન બનાવીને ડી.જી.નાલકંડેને વિકેટ આપી બેસતાં સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. અવિ બાદ અર્પિત વસાવડા 39, ચિરાગ જાની 3 અને વિશ્ર્વરાજસિંહ જાડેજા 3 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે પાર્થ ચૌહાણ 9 બોલમાં 19 રન બનાવી અણનમ રહ્યો હતો. બોલિંગમાં વિદર્ભ વતી ડી.જી.નાલકંડેએ 4, ઠાકુરે બે અને કર્નેવારે એક વિકેટ મેળવી હતી.

234 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમને શરૂઆત સારી મળી હતી પરંતુ ઓપનિંગ જોડી આઉટ થયા બાદ મીડલ ઓર્ડર નિષ્ફળ રહેતાં 109 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિદર્ભના જે.એમ.શર્માએ 43, અથર્વ તૈડેએ 13, અપૂર્વ વાનખેડેએ 18 અને ગણેશ સતીષ 7 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો છે જ્યારે આર.આર.રાઠોડ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.વિદર્ભની ચારેય વિકેટ પ્રેરક માંકડે ખેડવી હતી. આ પછી ચેતન સાકરીયાએ કાંડાનું કૌવત બતાવવાનું શરૂ કરતાં ચાર ઓવરમાં 11 રન આપીને વિદર્ભના પાંચ બેટસમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો જ્યારે કેપ્ટન જયદેવ ઉનડકટને પણ એક સફળતા સાંપડી હતી.


Related News

Loading...
Advertisement