અમરેલી-બગસરા હાઇવે પર ધોળા દિવસે સિંહે નીલગાયનું મારણ કર્યુ

13 January 2021 02:04 PM
Amreli
  • અમરેલી-બગસરા હાઇવે પર ધોળા દિવસે સિંહે નીલગાયનું મારણ કર્યુ

સાવરકુંડલાના આંબરડી હાઇવે પર સિંહોની લટાર

અમરેલી તા.13
અમરેલી શહેરની ભાગોળે થોડા દિવસ પહેલા એક દીપડાએ દેખા દીધી હતી તે દીપડો તો હજુ પીંજરે પુરાયો નથી ત્યાં આજે દિન દહાડે અમરેલી-બગસરા સ્ટેટ હાઈવે ઉપર બાબાપુર નજીક એક સિંહ શિકાર કર્યા બાદ જિયાફત ઉડાવી હતી. તે વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં લોકો મફતમાં સિંહદર્શન કરવા હાથ લાગ્યું તે વાહન લઈ દોડી ગયા હતા. આ બનાવમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી- બગસરા સ્ટેટ હાઈવે ઉપર આજે દિનદહાડે એક કદાવર સિંહ આવી ચડયો હતો અને બાબાપુર નજીક રોડ ઉપર જ એક નીલગાયનું મારણ કરી શિકાર ઉપર જિયાફત ઉડાવી હતી. અમરેલી-બગસરા હાઈવે ઉપર સિંહે મારણ કર્યાનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં જ આજુબાજુનાં લોકો વાહનો લઈ સિંહ દર્શન કરવા દોડી ગયા હતા અને સિંહે જયાં શિકાર કર્યો હતો તે સ્થળેમફતમાં સિંહ દર્શન કર્યા હતા. આ બનાવ અંગે વન વિભાગને જાણ થતાં તેઓએ આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

સિંહની લટાર
સાવરકુંડલાના આંબરડી નજીક રેવન્યુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 7 જેટલા સિંહોએ ધામા નાંખ્યા છે. સાવરકુંડલા-પીપાવાવ હાઈવે પર આંબરડી ગામ નજીક બે યુવા નર સિંહો હાઈવે ક્રોસ કરી સાઈડમાં બિન્દાસ્ત ચાલતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો હતો, વિડીયોમા સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. હાઈવે પર તોતીંગ વાહનો દોડી રહ્યા છે. તે વચ્ચે બે સિંહો બિંદાસ્ત રીતે હાઈવે ક્રોસ કરી રોડની સાઈડ પર ચાલી રહ્યા છે જે સિંહો માટે જોખમી બાબત છે. આ સમગ્ર ઘટના એક વાહન ચાલકે મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.


Loading...
Advertisement