સૌરાષ્ટ્રમાં ઠંડી સામાન્ય : કચ્છ ફરી ટાઢુબોળ

13 January 2021 01:55 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ઠંડી સામાન્ય : કચ્છ ફરી ટાઢુબોળ

નલીયામાં 5, ભૂજ-કંડલામાં 10, ગાંધીનગર-ડીસામાં 9 ડિગ્રી : રાજકોટમાં 13.1, કેશોદમાં 13.6, ભાવનગર 15, અમરેલી 14, પોરબંદર 13.6, વડોદરા 14, સુરતમાં 17 ડિગ્રી

રાજકોટ તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજરોજ પણ ઠંડીમાં રાહત રહેવા પામી હતી અને અનેક સ્થળોએ આજે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. ગઇકાલની જેમ આજે પણ જો કે કચ્છનાં નલીયા-ભૂજ અને કંડલામાં ફરી આજે ઠંડી વધવા પામતા કચ્છવાસીઓએ તિવ્ર ઠંડી અનુભવી હતી. નલીયામાં ગઇકાલે 8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે ફરી 3 ડિગ્રી તાપમાન નીચુ ઉતર્યુ હતું અને આજે સવારે નલીયા ખાતે પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું અને હવામાં ભેજ 74 ટકા રહ્યો હતો. તેમજ પવન શાંત રહ્યો હતો.

આ ઉપરાંત ગઇકાલે ભૂજ ખાતે 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જો કે આજે સવારે 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ભૂજમાં ફરી આજે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. દરમ્યાન કંડલામાં પણ આજે ફરી ઠંડી અનુભવાઇ હતી અને સવારે 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે આજે ડીસા-અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ફરી કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. આજે સવારે ડીસા ખાતે 9.6 ડિગ્રી, અમદાવાદમાં 12 ડિગ્રી અને ગાંધીનગર ખાતે 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

જો કે આજે રાજકોટ, કેશોદ, પોરબંદર, ભાવનગર, વેરાવળ, દ્વારકા, ઓખા, અમરેલીમાં સામાન્ય ઠંડીનો અનુભવ થયો હતો. રાજકોટમાં આજે સવારે 13.1 ડિગ્રી ઠંડી સાથે હવામાં ભેજ 44 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 3 કિ.મી. રહી હતી. તેમજ કેશોદ ખાતે 13.6, ભાવનગરમાં 15, પોરબંદરમાં 13.6, વેરાવળમાં 18.4, દ્વારકામાં 15.2, ઓખામાં 17.9 અને અમરેલીમાં 14, મહુવામાં 17.5, દિવમાં 17 તથા વલસાડમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આમ આજે રાજયમાં ઠંડીનાં પ્રમાણમાં વધઘટ રહેવા પામી હતી.


Related News

Loading...
Advertisement