નવી દિલ્હી, તા. 13
કોરોના કાળ બાદ ગુજરાત સહિતના રાજયોમાં શિક્ષણ કાર્ય તબકકાવાર શરૂ કરવામાં આવ્યુ હોવા છતાં દેશમાં હજારો-લાખો બાળકો હજુ શિક્ષણથી વંચિત રહી ગયા હોવાનો શિક્ષણ વિભાગને રીપોર્ટ સંસદીય પેનલને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયના રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે નોકરી કે મજુરી માટે પરપ્રાંતમાંથી આવેલા હજારો લોકોએ હિજરત કરી હતી. તેઓના બાળકોએ ફરી વખત સ્કુલ પ્રવેશ કર્યો નથી. મધ્યપ્રદેશમાં આવા બાળકોની સંખ્યા 2,06,417ની છે તેમાંથી માત્ર 81પ63 બાળકોએ સ્કુલોમાં ફરી પ્રવેશ મેળવ્યો છે. પશ્ચિમ બંગાળમાં હિજરત કરી ગયેલા 3868ર બાળકો પાછા આવ્યા નથી. બિહાર તથા કર્ણાટકમાં આ સંખ્યા અનુક્રમે પ8રપ6 તથા ર8901ની છે.
વિવિધ રાજયોમાં સ્કુલ પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવા છતાં હિજરત કરી ગયેલા લોકોના સંતાનો પાછા આવ્યા નથી. ઝારખંડમાં 32980, કેરળમાં 10969 તથા રાજસ્થાનમાં 57265 બાળકોની આવી સ્થિતિ છે. કોરોના લોકડાઉન વખતે દેશના વિવિધ રાજયોમાંથી લાખો કામદારોએ હિજરત કરી હતી બાળકો શાળાએ જતા બંધ થયા હતા. શાળાઓ બંધ હતી એટલે વિદ્યાર્થીઓનું શિક્ષણ વેરવિખેર થઇ ગયું છે.
એકમાત્ર દિલ્હીમાં રાજય સરકારે તમામ 103 હિજરતી બાળકોને શોધીને ફરી વખત સ્કુલમાં પ્રવેશ કરાવ્યો છે. ઓડિસામાં પણ પ6પ4 બાળકોને શોધીને શાળાએ મોકલ્યા છે. ગુજરાતમાં 284 બાળકોની ઓળખ કરીને તેમાંથી 250ને સ્કુલ પ્રવેશ કરાવ્યો છે. મંત્રાલય દ્વારા ઓનલાઇન શિક્ષણનો પણ ડેટા જાહેર કર્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પુડુચેરી, ચંદીગઢ તથા દાદરાનગર હવેલીમાં ઓનલાઇન શિક્ષણ મોટી સંખ્યામાં બાળકો સુધી પહોંચ્યુ હતું.